ગુજરાત કોંગ્રેસની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી બની છે. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં હવે કોંગ્રેસમાં પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જોરસોરથી ચાલી રહી છે. બે દિવસ પહેલા મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. યાદી જાહેર થતાંની સાથે જ કોંગ્રેસનો આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. અનેક બેઠકો પર નેતાઓ અને કાર્યકર્તાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. બીજીબાજુ નારાજ કોંગી નેતાઓ પક્ષમાં રાજીનામાં પણ ધરી દીધા છે.

કોંગ્રેસએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતા અનેક જગ્યાએ પોતાના જ કાર્યકર્તાઓનો વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આજે કડી બેઠક પર પ્રવિણ પરમારનું નામ જાહેર થતાં કડીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. 40 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, સાથે જ કડીની બેઠક 1 કરોડમાં આપી હોવાની કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો. ઉપરાંત ઉમેદવાર બદલવાની પણ માગ કરવામાં આી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાની 7 બેઠક છે. જે પૈકીની કડીની એક બેઠક છે. કોંગ્રેસમાંથી આ બેઠક પર 22 જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જોકે કોંગ્રેસ દ્વારા આ બેઠક પર પ્રવિણ પરમારનું નામ જાહેર કરતા અન્ય ઉમેદવારી કરનારાઓમાં નારાજગી જોવા મળી હતી. પ્રવિણ પરમાર કડી તાલુકાના કણજરી ગામના વતની છે અને તેમનો વ્યવસાય એડવોકેટ છે. કણજરી ગામમાં 1997 થી 2002 સુઘી સરપંચ તેમણે રહી ચુક્યા છે. આજે કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, કડી બેઠક પર અનુસૂચિત જાતિના સેનમા સમાજના સૌથી વધારે વોટ છે, આ સમાજ કોંગ્રેસ સમર્પિત રહ્યો છે. અમે ઈમાનદાર વ્યક્તિઓ છીઈએ અને તે પૈસાદાર વ્યક્તિ છે. ઉમેદવાર બદલવામાં નહીં આવે તો પક્ષને નુકશાન આવશે.