સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં ચેકીંગ દરમ્યાન ગેરકાયદે ખનીજનું વહન કરતા ત્રણ ડમ્પરો સાથે રૂા. ૩૦ લાખનો મુદામાલ સીઝ કર્યો હોવાનું જાણવા મળેલ છે. આ અંગેની વધુ વિગત એવી છેકે, સુરેન્દ્રનગર જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનીજનું ખનન અને વહન કરવાની પ્રવૃતિએ માઝા મુકી છે. તેની સામે નવા આવેલા ખાણખનીજ વિભાગનાં અધિકારી નીરવ બારોટ અને તેમની ટીમે સઘન ચેકીંગ અભિયાન હાથ ધર્યુ છે. તાજેતરમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર-મેક્શન સર્કલ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે ચેકીંગ હાથ ધરતા ડમ્પરમાં સાદી રેતી,બીજા ડમ્પરમાં બ્લેકટ્રેપ અને ત્રીજા ડમ્પરમાં સેન્ડ સ્ટોન ગેરકાયદેસર રીતે ભરેલું હોવાનું જણાતા ત્રણેય ડમ્પર સહીત રૂા.૩૦ લાખનો મુદામાલ સીઝ કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.