બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલઃ આચારસંહિતા લાગુ થતાં જિલ્લામાં જાહેર સ્થળો પરથી કુલ- ૧૦,૪૬૮ અને ખાનગી સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરાયા
આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલની બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શનમાં કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત સાથે જ બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન મુજબ તથા નિરીક્ષણ હેઠળ, જિલ્લા મથક પાલનપુર શહેર તેમજ જિલ્લામાં જાહેર સ્થળોએ, સરકારી ઈમારતો પર, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતોવાળા પોસ્ટર, બેનર ઉતારવાની કામગીરી કરવામાં આવી છે.
જેના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં કેન્દ્ર સરકાર, રાજય સરકારની યોજનાકીય સિધ્ધિઓ, સાફલ્યગાથાઓ, જાહેરાતો, માહિતી તથા રાજકીય પદાધિકારીશ્રીઓના ફોટાવાળા બેનર, પોસ્ટર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરવાની કામગીરી અંતર્ગત આજ તા.૦૫/૧૧/૨૦૨૨ સુધીમાં જાહેર સ્થળોએથી ૧૦,૪૬૮ અને ખાનગી માલિકીના સ્થળોએથી ૧,૩૩૧ પોસ્ટર, બેનર, વોલપેઈન્ટીંગ વિગેરે દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વિવિધ સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, સરકારી શાળાઓની દિવાલો પરના રાજકીય લખાણો, રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો વગેરે ઉતારવાની કામગીરીનો પણ ધમધમાટ ચાલી રહી છે.
જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજિલ (C-VIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે. C-VIGIL એપ્લિકેશન ઉપર તા.૦૩.૧૧.૨૦૨૨ થી તા.૦૫.૧૧.૨૦૨૨ સુધીમાં આચારસંહિતા ભંગની ઓનલાઇન કુલ ૦૩ ફરિયાદો મળી છે. જે તમામનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે. જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર (નં.૧૯૫૦) ઉપર તા.૦૧.૧૧.૨૦૨૨ થી તા.૦૫.૧૧.૨૦૨૨ સુધીમાં મતદારયાદી વિષયક કુલ- ૩૪ રજૂઆતો મળેલ જે તમામનો સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવેલ છે. જિલ્લામાં પેરામિલિટરી ફોર્સની કંપનીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.