વિધાનસભા ચૂંટણીને અનુલક્ષી પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

          વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું કે, આજે ચૂંટણી જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આદર્શ આચારસંહિતાના અમલીકરણ અંગે ફરીયાદ સંબંધી ટોલ ફ્રી નં.૧૮૦૦-૨૩૩-૨૦૨૨ છે. જેના પર ચૂંટણી આચારસંહિતા ભંગને લગતી કોઇપણ પ્રકારની ફરીયાદ નોંધાવી શકાશે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે જેનો નંબર-૦૨૭૪૨-૨૬૦૭૯૧ છે. જેમાં કચેરી સમય દરમ્યાન ફોન કરી શકાશે. તેમણે કહ્યું કે, ખર્ચ નિયંત્રણ અને આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે નોડલ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.  

           જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આદર્શ આચાર સંહિતાના અમલ અંગે, પેઇડ ન્યુઝ વિશે, ઉમેદવારી પત્રો ભરતી વખતે રજુ કરવાનું સોગંદનામુ અંગે, ઉમેદવારી પત્ર સાથે એફીડેવીટ રજુ કરવામાં આવે તે અંગે, ઉમેદવારના ચૂંટણી ખર્ચ-બેન્ક એકાઉન્ટ અંગે, ચૂંટણીના ચોપાનીયા કે ભીંતપત્રો વગેરેના છાપકામ અંગે તેમજ ઉમેદવારીપત્ર ભરવા અંગે અને ચૂંટણીલક્ષી જરૂરી પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. 

           આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે, પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સર્વશ્રી રાજુભાઇ ડાભી, શ્રી એસ.એન.દેલવાડીયા, શ્રી ભરતભાઇ લિંબાચીયા, શ્રી શૈલેષભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.