બે સંતાનોની માતા અને અમદાવાદ ખાતે રહેતી પરિણીત મહિલા વર્ષો પછી સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં આવેલા જૂના મિત્ર સાથે ફરવા જતા પતિ યુવક મિત્રને વિસનગર ચાર રસ્તાથી કારમાં ઉઠાવી જતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. એલસીબીની ટીમે યુવકને છોડાવી વિસનગર તાલુકા પોલીસને સોંપતા એક રાજકીય નેતાની મધ્યસ્થીથી સમાધાન થતાં આખો મામલો થાળે પડ્યો હતો અને ઘીના ઠામમાં ઘી ઠરી ગયું હતું.

વિજાપુર તાલુકાના એક ગામડાની અને અમદાવાદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતી બે સંતાનોની માતા એવી મહિલાને તાજેતરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કોલેજકાળના મિત્ર સાથે મિત્રતા થઈ હતી. મૂળ વિજાપુર તાલુકાના ગામડામાં રહેતો અને વિસનગર શહેરમાં વેપાર કરતો યુવક તાજેતરમાં આ મહિલાને પોતાની કારમાં કેટલીક જગ્યાઓ પર ફરવા માટે લઈ ગયો હતો. કેટલાક દિવસો સુધી પોતાના ઘરેથી ગુમ થયેલી પરણીતા મહિલા અંગે પરિવારજનોએ તપાસ કરતાં યુવક મિત્ર અંગે જાણ થઈ હતી. જેને પગલે મહિલાના પતિએ વિસનગર ચાર રસ્તા પરથી યુવકને પોતાની કારમાં ઉઠાવીને લઈ ગયો હતો.

અપહરણ થયું હોવાની શંકા સાથે સંબંધીઓ અને ગામના સરપંચ વિસનગર તાલુકા પોલીસ મથકે પહોંચીને મૌખિક રજૂઆત કરતા તાલુકા પોલીસે મહેસાણા એલસીબીને જાણ કરતા પોલીસની ટીમને યુવકનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરીને તેને શોધીને છોડાવ્યો હતો. સમગ્ર મામલો ક્રાઈમ બ્રાન્ચની કચેરીએ પહોંચતા પોતાની પત્નીની ભાળ મેળવવા માટે તેના યુવક મિત્રને ઉઠાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવકની મદદથી મહિલાને પણ બોલાવી તમામને વિસનગર તાલુકા પોલીસ મથકે સોંપ્યા હતા. બંને પક્ષે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવી હોવાથી પોલીસે એક નોંધ અને લખાણ કરાવીને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.