ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે એક જ જમીન બાબતને પરિવારો વચ્ચે ધારિયા,પાઈપ અને ધોકાથી સશસ્ત્ર મારામારી થઇ હતી. જેમાં બન્ને જૂથના કુલ 10 વ્યક્તિને ઈજા થઇ હતી. તમામને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલે લવાયા હતા. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા સામસામી ફરિયાદો નોંધવામાં આવતા 8 મહિલા સહિત કુલ 20 લોકો સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે અરજણ વાલાભાઈ, કાનાભાઈ વાલાભાઈ, દલાભાઈ વાલાભાઈ, રામજીભાઈ વાલાભાઈ અને સ્વ.ભીમાભાઈ વાલાભાઈના પરિવારો રહે છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં વાલીબેન ભીમાભાઈ પરમારે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે, વાવડી ગામની સીમમાં તેમના અને તેમના જેઠના ખેતરો બાજુબાજુમાં આવેલા છે. જેમાં ખેતર વચ્ચે તાર બાંધવા બાબતે કાનાભાઈ વાલાભાઈ અને રામાભાઈ વાલાભાઈએ ગાળો દઈને પથ્થરના છુટ્ટા ઘા કર્યા હતા.બાદમાં અન્યોએ પાવડા, ધારિયા અને ધોકાથી હુમલો કરી દલાભાઈ, વિનોદ, અરજણ વાલાભાઈને ઈજા કરી હતી. દલાભાઈને માથામાં ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. આ બનાવમાં પોલીસે કાનાભાઈ વાલાભાઈ, રામાભાઈ વાલાભાઈ તેમના દીકરાઓ કિશનભાઈ, દિપકભાઈ, લવજીભાઈ, ગૌરીબેન, પારૂલબેન, ચંદ્રીકાબેન, હંસાબેન, કંકુબેન સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.