પાટડી તાલુકાનાં માલવણ-ખેરવા ગામ વચ્ચે એસ.ટી.બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં એક મહિલાનું મોત થયુ હતું અને સાત વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઇ હોવાની વિગતો સામે આવી છે.બનાવની જાણવા મળતી વિગત એવી છેકે, બનાસકાંઠા જિલ્લાનાં ડીસા ગામમાં રહેતા બે ભાઈઓ દિવાળીની રજામાં પરિવાર સાથે ઈકો કારમાં ચોટીલા દર્શન કરવા ગયા હતા. તે પછી આ પરિંવાર મંગળવારે પોતાના ગામ પરત જઈ રહ્યો હતો ત્યારે પાટડી તાલુકાના માલવણ-ખેરવા ગામ વચ્ચે દ્વારકા-દિયોદર રૂટની એસ.ટી.બસ સાથે કારને અકસ્માત નડયો હતો. બસના ચાલકે આગળ જતી ઈકો કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા અનિલાબેન પ્રેમભાઈ પરિહારને પાટડી ખાતેની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં હાજર ડોક્ટરે મૃત તેમને જાહેર કર્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તો જાહ્નવી પ્રેમભાઈ પરિહાર અને ધર્મેન્દ્રભાઈ પરિહાર, વિરેન રાકેશભાઈ પરિહાર તથા ક્રિશીકા રાકેશભાઈ પરિહારને હાથે, પગે અને માથાના ભાગે ઈજાઓ થતા પાટડી હોસ્પિટલમા સારવાર આપવામાં આવી હતી. તેમજ એક બાળકીને આંખના ભાગે ગંભીર ઈજા થઇ હોવાનું જાણવા મળે છે. બનાવ બાદ બસચાલક બસ મુકીને ફરાર થઈ જતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.