મોરબીમાં બનેલી દુઃખદ પુલ દુર્ઘટનાને પગલે ગુજરાત સહિત દેશભરમાં શોક છવાયો છે. મોરબી ખાતે કેબલ બ્રિજ દુર્ઘટનામાં દુઃખદ અવસાન પામેલ દિવંગત આત્માઓને આદરના ચિન્હ તરીકે સરકારશ્રીએ તા.૦૨.૧૧.૨૦૨૨ ના રોજ રાજકીય શોક જાહેર કરી રાજ્યવ્યાપી શોક પાળવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો હતો. જેને પગલે ઠેર ઠેર શ્રદ્ધાંજલી કાર્યક્રમો દ્વારા પ્રાર્થના સભા અને શોકસભા યોજી મોરબી દુર્ઘટનાના દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિરના ચાચર ચોક ખાતે સવારે ૧૧.૦૦ વાગ્યે પ્રાર્થનાસભા રાખી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી દુર્ઘટનાને પગલે સમગ્ર ગુજરાત શોકમાં ડૂબેલું છે ત્યારે દુઃખની આ ઘડીમાં સમગ્ર ગુજરાત મૃતકોના પરિવારજનોની પડખે છે.
માં અંબાના ચાચર ચોકમાં આયોજિત શોકસભામાં ઉપસ્થિત સૌ કોઈએ મોરબી પુલ હોનારતના મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી આદ્યશક્તિ માં અંબા મૃતકોના પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
પ્રાર્થનાસભામાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને તેની તમામ પેટા શાખાના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સિક્યોરિટી જવાનો , સફાઈ કર્મીઓ, 51 શક્તિપીઠના પૂજારીશ્રીઓ , તમામ સંસ્થાના કર્મચારીશ્રી તથા ઉપસ્થિત યાત્રિકો જોડાયા હતા અને દિવંગત આત્માઓની શાંતિ અર્થે હદય પૂર્વક પ્રાર્થના કરવામાં આવી હતી.