ગાંધીનગરનાં સેકટર - 4 માં ભાઈ બીજના દિવસે ઘર આગળ રમતાં અઢી વર્ષના બાળકને અડફેટે લઈ મોત નિપજાવી નાસી છુટેલા સેકટર - 3 ના ધ્રુવ સતીષકુમાર દવે નામના યુવાનને સેકટર - 7 પોલીસ ધ્વારા ધરપકડ કરી લેવાઈ છે. ઉલ્લેખનીય છે કે ઘટનાસ્થળથી 100 મીટર દૂર રહેતા મિત્રની કાર લઈને યુવાન ખરીદી કરવા નિકળ્યો હતો અને અકસ્માત કરીને ગાડી પાછી પરત પણ કરી દીધી હતી.
સેકટર 4/એ પ્લોટ નંબર 146/2 માં રહેતાં આર્મી જવાન ઈલેશભાઈ રાઠોડ દિવાળીના તહેવારો દરમ્યાન જોધપુર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની દેવ્યાનીબેન મોટા પુત્ર ધાર્મિક તેમજ નાના દીકરા અથર્વ સાથે દિવાળીની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા હતા. એ દરમ્યાન અથર્વ ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે અજાણ્યા સ્પોર્ટ્સ કારના ચાલક અથર્વને કચડી નાખી નાસી ગયો હતો.આ બનાવના પગલે તપાસ અધિકારીની તપાસમાં કોઈ ફળદાયી હકીકત બહાર નહીં આવતાં સેકટર - 7 પીઆઈ પી બી ચૌહાણે ગુનાની ગંભીરતા જોઈને સ્થળ વિઝિટ કરવાની ફરજ પડી હતી. ત્યારે સીસીટીવી માં પણ ગાડીની કોઈ સગળ નહીં મળતા પીઆઈ ચૌહાણે ઉલ્ટી દિશામાં તપાસનો હાથ ધરવાનો કીમિયો અપનાવી ડોર ટુ ડોર વસાહતીઓની પૂછતાંછ શરૂ કરાવવા આયોજન ઘડી કાઢ્યું હતું.
ઉપરાંત ગાડીની સેકટર - 4 માંથી બહાર નહીં નીકળી હોવાનું પાકું થતાં સેકટરમાં પ્રવેશવા વાળી ગાડીઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા સ્ટાફના માણસોને સૂચનાઓ આપવામાં આવી હતી. જેનાં ગણતરીના કલાકોમાં જ પોલીસ ટીમે અકસ્માતગ્રસ્ત ગાડીનું પગેરૂ શોધી કાઢવામાં આવ્યું છે. ત્યારે પોલીસે પીડિત પરિવારના ઘરથી 100 મીટરના અંતરે રહેતા શંકાસ્પદ ગાડી માલિકને શોધી કાઢવામાં આવ્યો હતો. જો કે તેણે બનાવના દિવસે સેકટર - 3/એ પ્લોટ નંબર 61/2 માં રહેતો મિત્ર ધ્રુવ સતીષકુમાર દવે બુલેટ ઘરે મૂકીને ગાડી લઈ ગયો હોવાની કેફિયત વર્ણવી હતી. જેનાં પગલે પોલીસે ધ્રુવ દવેને બોલાવીને કડકાઈથી પૂછતાંછ કરતાં ઉક્ત અકસ્માત તેણે જ કર્યો હોવાની કબૂલાત કરી લીધી છે. આ અંગે પીઆઈ ચૌહાણે કહ્યું કે, પીડિત પરિવારથી 100 મીટરના અંતરે ગાડીનો માલિક રહે છે. જેનો મિત્ર ધ્રુવ બેકરી આઈટમની ખરીદી કરવા ગાડી લઈને નિકળ્યો હતો. અકસ્માત પછી તે ખરીદી કરવા ગયો હતો અને પાછી ગાડી પરત આવીને મૂકીને જતો રહ્યો હતો.