મૌન પાળીને મોરબી દુર્ઘટનાના હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી
અમરેલી તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ (સોમવાર) દેશના પ્રથમ ગૃહમંત્રી, રાષ્ટ્રની
અખંડિતતા અને એકતાના હિમાયતી તથા લોખંડી પુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. આ 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણીના ઉપલક્ષમાં પ્રતિ વર્ષ 'એકતા દોડ'નું આયોજન કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 'રાષ્ટ્રીય એકતા દોડ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઈચારાના સંદેશના પ્રસાર માટે યોજાતી 'એકતા દોડ' ની પૂર્વે મૌન પાળીને, રવિવારે રાજ્યના મોરબીમાં થયેલી દુર્ઘટનામાં અવસાન પામનારા હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દોડમાં સહભાગી થયેલા જિલ્લાના અધિકારીશ્રીઓ પોલીસકર્મીઓ, કર્મચારીઓ, નાગરિકો સહિત તમામે બે મિનિટનું મૌન પાળ્યું હતું.
આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા એકતા દોડને જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડાશ્રી હીમકર સિંઘે પ્રસ્થાન કરાવ્યુ હતુ. અમરેલી જિલ્લા પોલીસ પરેડ મેદાનથી પ્રસ્થાન થતાં નગરના રાજકલમ ચોક થઈ ફરી પોલીસ પરેડ મેદાન પર 'એકતા દોડ'નું સમાપન થયું હતું. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, અમરેલીના નાગરિકો સહભાગી થયા હતા
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.