મુળી તાલુકાનાં સડલા ગામે રહેતા યુવાને મૈત્રી કરારથી સાથે રહેતી પ્રેમીકા પોતાનાં પતિ પાસે પાછી જતી રહેતા અને તેની અરજી પોલીસ દ્વારા ન સ્વીકારાતી હોવાના આક્ષેપ સાથે નાસીપાસ થઈ મુળીના જુના પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક પાસેથી પોલીસને સંબોધીને લખેલી સ્યુસાઈડ નોટ મળી આવેલ છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, મુળી તાલુકાનાં સડલા ગામે રહેતા બાવળીયા અમિતકુમાર દેવજીભાઈ નામનાં યુવાનની રવિવારે મુળીના જુના પોલીસ સ્ટેશનના પ્રાંગણમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. મૃતકનાં પરિવારજનો આક્ષેપ કરતા જણાવે છેકે, અમિત શનિવારે મુળી પોલીસ મથકે અરજી આપવા ગયો હતો તેની સાથે કેટલાક લોકો પણ હતા. પોલીસે અમિતની અરજી લીધી નહોતી અને કલાકો સુધી બધાને બેસીડી રાખ્યા હતા. આ અંગે પોલીસને પુછતા પી.એસ.આઈ. ગોહીલે જણાવ્યું કે, કોઈ અરજી આપવા આવ્યું નથી. અમિતની સાથે ગયેલા લોકો કહે છેકે, પોલીસ સ્ટેશનનાં સી.સી.ટી.વી. ચકાસો અમે અરજી આપવા ગયા હતા. તેની પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટમાં જમાદારને ઉદ્દેશીને અમિતે લખ્યુ છે કે, ખંભાળીયા તાલુકાના ધરમપુર ગામ (દેવભુમી દ્વારકા)ની હિરલબેન દિપકભાઈ કટેચિયા સાથે લગભગ એક વર્ષ પહેલા મુલાકાત થઈ હતી. ત્યારબાદ બન્ને સોશ્યલ મિડીયાના માધ્યમથી વાત કરતા હતા અને તા.૨૫/૪/૨૦૨૨ના રોજ બન્નેએ મૈત્રી કરાર કર્યા હતા. હિરલ અમિત સાથે રહેવા આવી ગઈ હતી. બીજી તરફ હીરલનો પતિ દિપકભાઈ નાનજીભાઈ કટેચીયા તેણીને પાછી લાવવા પ્રયત્ન કરતો હતો. સ્યુસાઈડ નોટમાં એમ પણ જણાવ્યુ છેકે, આ ચક્કરમાં મારા પિતા દેવજીભાઈનું મૃત્યુ થયું. અમિત આગળ લખે છેકે, હું અને હિરલ બન્ને પતિ-પત્નિ તરીકે રહેતા હતા, મને એની આદત થઈ ગઈ હતી. એના (હિરલ) સહારે જ જીવતો હતો. હાલ તા. ૨૭/૧૦/૨૦૨૨ના રોજ પાછી એના પતિ દિપકભાઈ પાસે જતી રહી છે. હવે એના વગર હું સમાજમાં ઉભો રહી શકુ એમ નથી. કારણકે, એના લીધે જ બધુ થયુ છે. હિરલે પહેલા વિમલની જીંદગી બગાડી, પછી દિપક સાથે લવ મેરેજ કરેલા, પછી મારી સાથે કરાર કરેલો અને હવે ભાવિનનાં ચક્કરમાં એ પાછી ખંભાળીયા જતી રહી છે. જેની જાણ એના પતિ દિપકભાઈને પણ નથી. હીરલ બ્લેકમેઈલ સ્ત્રી છે. આજથી હું મારી જીંદગીનો અંત કરૂ છું. માત્રને માત્ર આ હીરલના લીધે. તેણે ન્યાય માંગતા શબ્દોમાં એમ પણ લખ્યુ છે કે, આ હીરલની ધરપકડ કરો, એના મોબાઈલમાંથી ડેટા કાઢી મારા જેવા બીજા છોકરાનો જીવ બચાવો. હીરલની ધરપકડથી કદાચ મારા પિતા દેવજીભાઈના કેસનો ખુલાસો થઈ જાય અને મારા પરિવારને મારા પિતા અને મારા મૃત્યુનો ન્યાય મળે.