નવી દિલ્હી,
5જી સ્પેક્ટ્રમની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ અને મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ કુલ ૮૮૦૭૮ કરોડ રૂપિયાના ૫જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી છે. ભારતી એરટેલે ૪૩૦૮૪ કરોડ રૂપિયા, વોડાફોન-આઈડિયાએ ૧૮૭૯૯ કરોડ રૂપિયા તો અદાણી સમૂહે માત્ર ૨૧૨ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમની બોલી લગાવી છે. ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે. સાત દિવસ સુધી ચાલેલી ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં કુલ ચાર ટેલીકોમ કંપનીઓએ ૧,૫૦,૧૭૩ કરોડ રૂપિયાના સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી છે. જેમાં માત્ર રિલાયન્સ જિયોની ભાગીદારી ૫૯ ટકા છે. રિલાયન્સ જિયોએ કુલ ૮૮૦૭૮ કરોડ રૂપિયાની ૫જી સ્પેક્ટ્રમ હાસિલ કરવા માટે બોલી લગાવી છે.

૭૦૦ મેગાહર્ટ્‌ઝના સ્પેક્ટ્રમ માટે રિલાયન્સ જિયો તમામ ૨૨ સર્કલમાં ટોપ બિડર છે. જિયોએ કુલ ૨૪૭૪૦ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ હાસિલ કર્યાં છે. ભારતી એરટેલે ૧૯૮૬૭ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ માટે ૪૩૦૮૪ કરોડ રૂપિયાની બોલી લગાવી છે. વોડાફોન-આઈડિયાએ ૧૮૭૯૯ કરોડ રૂપિયાની બોલી ૫જી સ્પેક્ટ્રમ માટે લગાવી છે. અદાણી સમૂહના અદાણી ડેટા નેટવર્કે ૪૦૦ મેગાહર્ટ્‌ઝ ૫જી સ્પેક્ટ્રમ માટે ૨૧૨ કરોડ રૂપિયાની બોલી લગાવી છે. ટેલીકોમ મંત્રીએ જણાવ્યું કે સરકારે જેટલા ૫જી સ્પેક્ટ્રમ ઓફર કર્યા હતા, તેમાંથી ૭૧ ટકા સ્પેક્ટ્રમ વેચાઈ ગયા છે.

સરકારે ૭૨,૦૯૮ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ બ્લોક પર રાખ્યા છે, જેમાંથી ૫૧૨૩૬ મેગાહર્ટ્‌ઝ સ્પેક્ટ્રમ વેચાઈ ચુક્યા છે અને કુલ ૧,૫૦,૧૭૩ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ૧૦ ઓગસ્ટ ૨૦૨૨ સુધી સ્પેક્ટ્રમની ફાળવણીનું કાર્ય પૂરુ કરી લેવામાં આવશે અને જેટલું સ્પેક્ટ્રમ ખરીદવામાં આવ્યું છે તેને દેશમાં ૫જી મોબાઇલ સર્કલને લોન્ચ કરી શકાશે. ટેલીકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યુ કે ૫જી સ્પેક્ટ્રમની સફલ હરાજી દેશના ટેલીકોમ સેક્ટર માટે સારો સંકેત છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને પ્રથમવાર ટેલીકોમ સેક્ટરમાં ઉતરેલા અદાણી ડેટા નેટવર્કે ૫જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે એકવાર ટેલીકોમ કંપનીઓને ૫જી સ્પેક્ટ્રમની ફાળવણી બાદ ઓક્ટોબર ૨૦૨૨મા દેશના ઘણા મોટા શહેરોમાં ૫જી મોબાઇલ સેવાની શરૂઆત થઈ જશે. એક અનુમાન પ્રમાણે ૫જીની સ્પીડ ૪જીથી ૧૦ ગણી વધુ છે. ૫જી શરૂ થયા બાદ ઓટોમેશનનો નવો સમય શરૂ થશે.