હિંદુ ધર્મ પરંપરા અનુસાર નૂતન વર્ષના પ્રથમ દિવસે ઠાકોરજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ રચવામાં આવે છે. સ્વાદ, સુગંધ અને પ્રભુપ્રેમથી તરબોળ અનેકવિધ વાનગીઓનો રસથાળ ભગવાનને ધરાવીને ભક્તો તેનો પ્રસાદ પ્રાપ્ત કરી નૂતન વર્ષનો શુભારંભ કરે છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં નૂતનવર્ષ અને અન્નકૂટ ઉત્સવની ઉજવણીમાં લાખો ભક્તો સામેલ થઈ રહ્યા છે.
બુધવારે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે સવારે ૭:૩૦ વાગ્યે નૂતનવર્ષ નિમિત્તે મહાપૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો હરિભક્તો અને ભાવિકોએ, સંતો-ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ ૬૦૦ થી વધુ વાનગીઓના મનોહર અન્નકૂટના દર્શન કરી ખૂબ આનંદનો અનુભવ કર્યો હતો.
આ ઉપરાંત, ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ થી ૧૫ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી અમદાવાદમાં યોજાનાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે દેશ વિદેશના લાખો હરિભક્તોમાં આ મહોત્સવનો લાભ લેવા તથા તેમાં સેવામાં જોડાવા અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.