રાજ્યભરમાં ૨૦ વર્ષના વિકાસની પ્રતીતિ કરાવતી “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો રથ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિયાનગરમાં પહોંચ્યો હતો. જ્યાં આગેવાનો અને ગ્રામવાસીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાના આશય સાથે ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના શિયાનગરમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આગેવાનો, અધિકારીઓ, લાભાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બાળાઓએ સામૈયા કરીને રથનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. 

ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ગુજરાતે વિકાસના અનેક શિખરો સર કરી વિકાસની નવી કેડી કંડારી છે. જેના ઉપર ગુજરાત રાજ્ય વધુને વધુ પ્રગતિનાં સોપાન સર કરીને વિકાસની અનેક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં વિતેલા ૨૦ વર્ષમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને સહકાર, પશુપાલન, સિંચાઈ, રસ્તા, વન અને પર્યાવરણ, પીવાનું પાણી, ૨૪ કલાક વીજળી, વાહન વ્યવહાર, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સર્વાંગી વિકાસ થયો છે. વિકાસનાં મીઠાં ફળ ગુજરાતના જન જન સુધી પહોંચ્યાં છે.