ધ્રાંગધ્રા ખાતે જુથ અથડામણને શાંત કરવા ગયેલી પોલીસ કાફલા ઉપર હુમલો કરીને પોલીસ કર્મીને ઈજા કરી ધમકી આપનાર સાત શખ્સો સામે કલેક્ટરે પાસાના વોરંટ ઈસ્યુ કરતા એલ.સી.બી. પોલીસે તમામ સાત શખ્સોની ધરપકડ કરીને જુદી-જુદી સેન્ટ્રલ જેલ હવાલે કર્યા છે. ધ્રાંગધ્રા ખાતે થોડા દિવસ પહેલા બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જ્યાં ઉશ્કેરાયલા કેટલાક શખ્સોએ પોલીસ અધિકારી-કર્મચારી ઉપર હુમલો કરીને ઈજા પહોચાડી ગાળો દઈ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તે વખતના ધ્રાંગધ્રાના ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી. એચ.પી.દોશીએ સાત શખ્સો સામે પાસાની કાર્યવાહી કરવા દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તના અનુસંધાને જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરે સાતેય શખ્સો સામે પાસાના વોરંટ ઈસ્યુ કરતા ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પી. જે.ડી.પુરોહીતના માર્ગદર્શનમાં એલ.સી.બી.પોલીસે સાતેય શખ્સોની ધરપકડ કરીને હિતેષ ઉર્ફે લાલો ગીરધરભાઈ મકવાણા અને ઈદ્રીશ બાબભાઈ મોવરને સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે, ગણેશ ઉર્ફે ગીડો મોતીભાઈ જાદવ અને આશિફ ઈકબાલભાઈ મોવરને સુરત લાજપોર જેલ હવાલે, મનીષ ઉર્ફે લાલો અમુભાઈ ચૌહાણ અને શાહરૂખ ઉર્ફે રાજાબાબુ રસુલભાઈ માલાણીને વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે, તેમજ અરવિંદ ઉર્ફે અક્ષય ઉકાભાઈ સાગડીયાને પાલારા ભુજ જેલ હવાલે કરવામાં આવ્યા છે.૧. હિતેષ ઉર્ફે લાલો ગીરધરભાઈ મકવાણા, ૨. ગણેશ ઉર્ફે ગીડો મોતીભાઈ જાદવ, ૩. મનીષ ઉર્ફે લાલો અમુભાઈ ચૌહાણ, ૪. અરવિંદ ઉર્ફે અક્ષય ઉકાભાઈ સાગઠીયા, ૫. શાહરૂખ ઉર્ફે રાજાબાબુ રસુલભાઈ માલાણી, ૬. ઈદ્રીશ બાબભાઈ મોવર, ૭. આસીફ ઈકબાલભાઈ મોવર, (તમામ રે. ધ્રાંગધ્રા)