અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું

અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું

      સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે જનસહયોગથી ભરથાણા ગામ, અલથાણ પાસે સાકાર થયેલા અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. અલથાણ પોલીસ સ્ટેશન શરૂ થતા ડાયમંડ બુર્સ, આભવા ચોકડી, શ્યામ મંદિર, અલથાણ ચાર રસ્તા વિસ્તારના નાગરિકોને સુગમ ન્યાય-પોલીસસેવા મળશે. નવું પોલીસ સ્ટેશન નિર્માણ થતા ઉમરા અને ખટોદરા પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે અલથાણ વિસ્તારમાં શાંતિ અને સલામતી વધુ સુદ્રઢ બનશે. 

                આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે. ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી-આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ, ફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

                મંત્રીશ્રીએ કહ્યું કે, દેશમાં ગુજરાત રાજ્યને સર્વશ્રેષ્ઠ બનાવવા પોલીસ તંત્ર સજાગ-સતર્ક છે. છેલ્લા ૨૦ વર્ષમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને કાયદો-વ્યવસ્થા જાળવવામાં ગુજરાત રાજ્ય નંબર વન બન્યું છે. રાજ્યની શાંતિ અને સલામતી માટે પોલીસ હંમેશા કાર્યરત છે. સમગ્ર ગુજરાત અને સુરત શહેરના ઝડપી વિકાસના પરિણામે વસ્તીને ધ્યાને લઈને નવા પોલીસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે એમ જણાવી મંત્રીશ્રીએ સુરત શહેર પોલીસ દ્વારા ડ્રગ્સને નાથવા માટે લેવામાં આવેલા પગલાઓ, પોલીસ સેવાની ડિજિટલ એપ, મોર્નિંગ વોક જેવી અનેકવિધ નવતર પહેલોને બિરદાવી હતી.  

                ગૃહ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, શહેર પોલીસ દ્વારા અનેક ગંભીર પ્રકારના ગુનાઓમાં એકથી બે મહિના જેવા ટુંકાગાળામાં ચાર્જશીટ રજુ કરીને ગુનેગારોને ફાંસીની સજા અપાવવાનું સરાહનીય કાર્ય કર્યું છે. પ્રજાજનોની શાંતિ- સલામતી અને સુખાકારી માટે આ સરકારે લીધેલા સંખ્યાબંધ કડક પગલાં, નિર્ણયોના કારણે લોકોને સુરક્ષાનો અહેસાસ થઈ રહ્યો છે. 

              આ પ્રસંગે ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલે જણાવ્યું કે, દેશની બાહ્ય સુરક્ષાની સાથોસાથ રાજ્યની આંતરિક સુરક્ષા પણ જરૂરી છે. વાર-તહેવાર હોય તો પણ પરિવારજનો અને પોતાની ખુશીઓના ભોગે પણ ફરજ પર મક્કમ રહેતા પોલીસકર્મીઓ પ્રજાના સાચા રક્ષક છે. અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

              સ્વાગત પ્રવચન કરતા પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરનો ખુબ જ ઝડપી વિકાસ અને જનસંખ્યાના વધારાની સાથે પોલીસની સેવા સૌ નાગરિકોને સુલભ બને તે માટે નવા પોલીસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસ સાયબર ક્રાઈમ નિવારણ અને મોર્નિંગ વોક જેવા ઘણા બધા નવા કોન્સેપ્ટ શરૂ કરાયા છે. 

               આમ નાગરિકોને પોલીસના મિત્ર બનીને રહેવાની શીખ આપતા શ્રી તોમરે ઉમેર્યું કે, પોલીસ પ્રજાનો મિત્ર છે. શહેરીજનોને રંજાડનારા કોઈ પણ અસામાજિક તત્વો સામે તત્કાલ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક સાધવા અને નાગરિકો પોલીસ પ્રત્યેનો ડર છોડી પ્રજાના મિત્ર તરીકે પોલીસકર્મીઓની સહાયતા મેળવે એવો અનુરોધ તેમણે કર્યો હતો.

               આ વેળાએ ગૃહરાજ્યમંત્રીશ્રી હસ્તે 'ઈકોનોમી ઓફેન્સિવ' પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જેમાં આર્થિક ગુના માટે રક્ષણ મેળવવા માટેની બાબતો, કલમો, કાયદાકીય જોગવાઈઓ આલેખવામાં આવી છે.

                આ પ્રસંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઇ પટેલ, શાસકપક્ષના નેતાશ્રી અમિતસિંહ રાજપૂત,નાયબ પોલીસ કમિશનર શ્રીમતી ઉષા રાડા તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા