ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું આગમન થતા તેઓ હવે દિલ્હી મોડેલ મુજબ આધુનિક અને મફત શિક્ષણ ગુજરાતમાં લાવવા જાહેરાત કરી રહયા છે ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા પણ શિક્ષણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સ્માર્ટ સ્કૂલો બનાવવા સહિત શિક્ષણમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહયા છે તેવે સમયે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ એક ફેરફાર કરાયો છે જેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસ બાદ હુન્નર થકી રોજગારી મેળવી શકે છે.
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે જે જાહેરાત થઈ છે તે આવકાર્ય છે.
જીતુ વાઘાણી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરી આ માહિતી શેર કરવામાં આવી છે.
જીતુ વાઘાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, શૈક્ષણિક સત્ર વર્ષ 2022 માં સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્યની 589 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી- અનુદાનિત શાળાઓમા જુદા-જુદા 13 ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવેલ છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓના વ્યવસાયલક્ષી જ્ઞાનમાં વધારો થશે. તેમજ વોકેશનલ સ્કિલની દિશામાં આગળ વધવાની તકો ઉપલબ્ધ થશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી તાલીમ મળી શકે તે માટે 13 ટ્રેડમાં વોકેશનલ વિષય દાખલ કરવામાં આવ્યા છે.

 

જેમાં ખેતી, સિવણ કામ, વણાટ કામ, મિસ્ત્રી કામ, ઓટોમોટિવ, બ્યૂટિ અને વેલનેસ, બેન્કિંગ, ફાયનાન્સ અને ઈન્શ્યોરન્સ, ઈલેક્ટ્રોનિક્સ, પ્લમ્બર, છૂટક વ્યાપાર, રમતગમત શારીરિક શિક્ષણ, પ્રવાસન અને હોસ્પિટાલિટી, આરોગ્ય જેવા વોકેશનલ વિષયોનો સમાવેશ કરવામાં આવતા હવે વિદ્યાર્થીઓ ભણ્યા બાદ પણ પોતાનો વ્યવસાય કરી શકે તેવી સ્કિલ મેળવી શકશે, વાલીઓએ સરકારના આ નિર્ણય ને આવકાર્યો છે.