જિલ્લાની જાણીતી સરકારી હાઇસ્કૂલ ગુતાલ ખાતે સત્રના છેલ્લા દિવસે જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે તેમજ પ્રસિદ્ધ સાહિત્યકાર મણિલાલ હ. પટેલના હસ્તે ગુજરાતી ભાષાના અમર સાહિત્યકારો દ્વારા થયેલા અજોડ સાહિત્યને દીવાલોમાં સમાવીને બનાવેલ ઓરડાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઓરડામાં નરસિંહ મહેતાથી લઈને હાલના સાહિત્યકારો સુધીની અમર કવિતાઓ અને ચિત્રો મુકાયા છે. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી શિલ્પાબેન પટેલ હાજર રહ્યા હતા.
સમગ્ર ઓરડો તૈયાર થતા ચાર મહિના જેટલો સમય લાગ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ અસરકારક સાહિત્ય મળશે. તેની સમગ્ર આર્થિક સહાય મણિલાલ હ.પટેલ દ્વારા કરવામાં આવી હતી. આ શાળામાં ચાલતી વ્યાખ્યાન માળાઓ થકી વિદ્યાર્થીઓમાં અલગ દ્રષ્ટિ ખીલી છે જે રાજ્યની અન્ય શાળાઓને દિશારૂપ બની રહેશે. સમગ્ર પ્રકલ્પનું સંચાલન પારસ દવે દ્વારા થયું હતું તેમજ કાર્યક્રમની આભારવિધિ શાળાના આચાર્ય હેમંતભાઈ કા.પટેલ દ્વારા કરવામાં આવી હતી.