(રાહુલ પ્રજાપતિ)

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોને સાબરડેરીના નિયામક મંડળે દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત ચિંતા સેવીને ગાય અને ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં અંદાજે રૂા. ૧૦ નો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ ભાવ વધારો દિવાળીની ભેટરૂપે આગામી તા. ૧૧ નવેમ્બરને વાઘબારસના દિવસથી અમલી બનશે.

આ અંગે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ, ડો વિપુલ પટેલ, ભોગીલાલ પટેલ અને એમ.ડી સુભાષભાઈ પટેલના જણાવાયા મુજબ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી દૈનિક ૪પ લાખ લીટર દૂધનું સંપાદન થાય છે તો બીજી તરફ દૂધ ઉત્પાદકોને મોંઘવારીનો માર વધુ સહન ન કરવો પડે તે માટે તાજેતરમાં સાબરડેરીના નિયામક મંડળની બેઠકમાં દૂધના ભાવોમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

જે મુજબ તા. ૧૧/૧૧/ર૦ર૩ થી ભેંસના દૂધનો કિલોફેટનો ભાવ રૂા. ૮૪૦ જ્યારે ગાયના દૂધના સમતૂલ્ય કિલોફેટનો ભાવ અંદાજે રૂા. ૩૬પ.૯૦ પ્રમાણે ચૂકવાશે જેથી સાબરકાંઠા અને અરવલ્લીના દૂધઉત્પાદકોને અંદાજે રૂા. ૪ કરોડથી વધુની રકમ દર મહિને મળતી થઈ જશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦ર૩-ર૪મા દૂધના ભાવમાં સતત ત્રીજી વખત વધારો કરાયો છે.