લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લમ્પી ચર્મ રોગ સંદર્ભે કચ્છની નિરીક્ષણ મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજના કોડકી રોડ ખાતેના લમ્પી આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી

મુખ્યમંત્રીએ કલેકટર કચેરી ભુજ ખાતે લમ્પી ચર્મ રોગ વાયરસ અંગે જિલ્લા પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

બિન અસરગ્રસ્ત પશુઓમાં પણ દૈનિક સાર્વત્રિક રસીકરણ કરવા સૂચન કર્યું 

મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા અને સારવાર પર વિશેષ ભાર મૂકી સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી

ભુજ , મંગળવાર આ જરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના પશુધનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભુજના કોડકી રોડ ખાતેના લમ્પી આઈસોલેશન સેન્ટર અને સુખપર ગૌરક્ષણ સંસ્થા-પશુ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ પશુધનને અપાઈ રહેલી સારવાર-સંભાળની જાણકારી મેળવી હતી. લમ્પી રોગથી અસરગ્રસ્ત પશુઓને અલાયદા રાખવા માટેના આઈસોલેશન સેન્ટરમાં પશુઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરીને વિગતે માહિતી મેળવી હતી. 

મુખ્યમંત્રીએ કલેકટર કચેરી ભુજ ખાતે લમ્પી ચર્મ રોગ વાયરસ અંગે જિલ્લા પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ લમ્પી રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ અને સઘન કામગીરીની વિગતે માહિતી રજૂ કરી હતી. જે પૈકી સમગ્ર જિલ્લામાં ૩૮૧૪૧ પશુઓ લમ્પી સ્કીન ડિસીઝથી અસરગ્રસ્ત થયેલા છે. આવા અસરગ્રસ્ત પશુઓને ક્વોરેન્ટાઈન કરીને આઇસોલેશનમાં રાખવા માટે જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૨૬ જેટલાં આઈસોલેશન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. આ આઈસોલેશન સેન્ટરમાં અસરગ્રસ્ત પશુઓની સારવાર સંભાળ થઈ રહી છે. કચ્છ જિલ્લામાં લમ્પી સ્કીન ડિસીઝને વધુ ફેલાતો અટકાવવા અત્યાર સુધી ૨.૨૬ લાખથી વધુ પશુધનનું રસીકરણ પશુપાલન વિભાગ અને જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.