લમ્પી ચર્મ રોગ વાયરસ-૨૦૨૨ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા લમ્પી રોગ સામે લડત આપવા લખપત તા.ના ગામોમાં મેડિકલ કેમ્પ યોજાયો
લાખાપર, દેદરાણી તથા મોટા ભાડારા ખાતે મેડિકલ કેમ્પમાં ગાયોને વેકસિનેશન તેમજ દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી
તા.૩ ઓગષ્ટના કાનેર, વિરાણી, લક્ષ્મીરાણી, ખરોડા, ખરાઇ ગામે મેડીકલ કેમ્પનું આયોજન કરાશે
ભુજ, મંગળવાર: ગુજરાત રાજ્યમાં ગાયોમાં ફેલાઈ રહેલા લમ્પી રોગ સામે લડત આપવા તેમજ આ રોગને અટકાવવા અને પશુપાલકોની મદદ માટે સામાજિક વનીકરણ વિભાગ કચ્છ દ્વારા લખપત તાલુકાના લાખાપર ,દેદરાણી તથા મોટા ભાડારા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયોના વેક્સિનેશન કાર્યક્રમ તેમજ દવા વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે સાથે વેટેરનરી ડોક્ટર માર્ગદર્શન મુજબ ગાયોને સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી.
ગામ લોકોને અંધશ્રદ્ધાથી દુર રહેવા માટે સમજ આપવામાં આવી હતી. આ સાથે રોગગ્રસ્ત ગાયોને જો છૂટી મૂકવામાં આવે અને જો તે જંગલ વિસ્તારમાં મૃત્યુ પામે અને જંગલી પશુઓ તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો જંગલના પશુઓને પણ તકલીફ પડી શકવાની સંભાવનાઓ રહેલી છે. જેને ધ્યાને લઈ ગામ લોકોને રોગગ્રસ્ત ગાય જંગલમાં છૂટી ન મુકવાની સલાહ આપવામાં આવી હતી. વેટરનરી ડો. કે.એચ. આગલોડિયાના માર્ગદર્શન મુજબ રોગગ્રસ્ત ગાયોની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષણશ્રી વિજય રાણાના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જ દયાપરના રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી બી.એન. દેસાઈ તથા રેન્જ ઓફિસના સ્ટાફે કામગીરી કરી હતી. દયાપર પશુ દવાખાનાની સમગ્ર ટીમ જીવીકે 1962ની પાંચ ટીમ અને સાથે સાથે ડીએમએફની એક ટીમ પણ જોડાઈ હતી. તમામ ટીમોએ શ્રેષ્ઠ સંકલન સાધીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. તા.૩ ઓગષ્ટના કાનેર, વિરાણી, લક્ષ્મીરાણી, ખરોડા, ખરાઈ ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરાશે તેવું કચ્છ વિસ્તરણ વન વિભાગ- ભુજ ,નાયબ વન સંરક્ષક, એચ.વી. મકવાણાની યાદીમાં જણાવાયું છે.