બજાણા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે વોચ ગોઠવી પાટડીના માલવણ હાઇવે પર વોલ્વો ટ્રાવેલ્સમાં 4 મોટી તલવાર, 5 છરી તથા 1 મારક ફોલ્ડીંગ સ્ટીક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. બજાણા પોલીસે હથીયારો અને ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 17,500ના મુદામાલ સાથે બે શખ્સોને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.બજાણા પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન હાઇવેથી નીકળેલી ખાનગી વોલ્વો ટ્રાવેલ્સમાં ચેકીંગ હાથ ધર્યું હતુ. જેમાં વોલ્વો ટ્રાવેલ્સમાં મહોંમદ આસીફ યુસુફ પરવેઝ ( રહે-વટવા, અમદાવાદ ) અને અકબર મહંમદહુસેન શેખ ( રહે-શાહઆલમ, અમદાવાદ ) પાસેથી તલવાર નંગ-4 તથા નાની મોટી છરી નંગ- 5 તથા 1 મારક ફોલ્ડીંગ સ્ટીક અને ત્રણ એડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂ. 17,500ના મુદામાલ સાથે ઝબ્બે કર્યા હતા.પોલીસે બંને શખ્સોને જિલ્લા મેજીસ્ટ્રેટના હથીયારબંધીના જાહેરનામાના ભંગ અંગેની ફરીયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બજાણા પોલીસના આ દરોડામાં પીએસઆઇ ડી.જે.ઝાલા, જે.ઝેડ.લેંચીયા અને સંદિપભાઇ મકવાણા સહિતનો બજાણા પોલિસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં છે.