મહેસાણાની મહિલા સવારે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયાં હતાં. મહિલાના પતિએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે મહેસાણા કંટ્રોલમાં વરધી લખાવી જેના પગલે સમગ્ર મહેસાણા જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ વર્ધી આપવામાં આવી હતી કે, એક મહિલા ઘરેથી નીકળી ગઈ છે અને કેનાલમાં પડવા સારું જઈ રહી છે. જેના આધારે સમગ્ર મહેસાણા જિલ્લા પોલીસ અલગ-અલગ કેનાલો પર ચેકિંગ કરી રહી હતી.
મહેસાણા શિવાલા સર્કલ પાસે રહેતી મહિલા અચાનક જ અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગઈ હતી. જ્યારે તેમના પતિ જયેશને જાણ થતાં તેમણે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે, તેમની પત્ની નર્મદા કેનાલમાં આત્મહત્યા કરવા સારુ નીકળી ગઇ છે. જે અંતર્ગત મહેસાણા તાલુકા પોલીસે મહેસાણા જિલ્લા કંટ્રોલમાં વર્ધી આપતાં વર્ધીના આધારે કડી પોલીસ સ્ટેશનના PI એન.આર પટેલની સુચનાથી મૌલિકભાઈ, ડ્રા. ચેનપુરી કાજલબેન, GRD ઉમાજી સહિતના માણસો કરીને 26 કિલોમીટર નર્મદા કેનાલ ઉપર અલગ અલગ જગ્યાએ શોધખોળ હાથ ધરી હતી.
સતત મહેસાણા તાલુકા PI આર.એસ પરમારના સંપર્કમાં રહીને કડી પોલીસ સ્ટાફના માણસોએ કડી દેત્રોજ રોડ ઉપર આવેલા બલાસર કેનાલ પરથી 15 મીનીટમાં મહિલાને કેનાલમાં પડી આપઘાત કરતાં બચાવી લીધી હતી. પોલીસે મહિલાની દીકરી સાથે તેમજ પરિવાર સાથે મુલાકાત કરાવી સમજણ આપી હતી. મહિલાને મહેસાણા તાલુકા પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.