વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડીસા એરફિલ્ડનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું..

બનાસકાંઠા અને પાટણ સૌર ઉર્જા શક્તિની જેમ વાયુ શક્તિનું કેન્દ્ર બનશે: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી..

લાખણી તાલુકાના નાંણી ખાતે કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટ અને મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સમારોહ યોજાયો..

કેન્દ્ર સરકારે જમીન, દરીયાઇ અને હવાઇ સુરક્ષા વધારીને દેશને વધુ સુરક્ષિત બનાવ્યો છેઃ કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટ..

ડીસા એરબેઝના માધ્યમથી દેશની સુરક્ષા અને સલામતિમાં વધારો થશે તથા આંતરરાષ્ટ્રીય સરહદો વધુ સુરક્ષિત બનશેઃ મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી..

(રિપોર્ટ નીરજ બોરાણા બનાસકાંઠા )

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડીસા એરફિલ્ડનું ગાંધીનગરથી વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લાખણી તાલુકાના નાંણી ખાતે કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટ અને ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત સમારોહમાં યોજાયો હતો. થરાદ રોડ પર આવેલ નાંણી ગામે 4518 એકર જમીનમાં ડીસા એરફિલ્ડનું રૂ.1000 કરોડના ખર્ચથી નિર્માણ થશે..

 ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડીસાવાસીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આજે બનાસકાંઠા અને પાટણનો સિતારો ચમકી રહ્યો છે. અમારી સરકારે ડીસામાં ઓપરેશન એરબેઝ બનાવવાનો નિર્ણય કર્યો હતો જે આજે સાકાર થયો છે જેનાથી આ વિસ્તાર દેશની સુરક્ષાનું મહત્વનું કેન્દ્ર બનશે. તેમણે કહ્યું કે, બનાસકાંઠા અને પાટણ સૌર ઉર્જા શક્તિની જેમ વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.

             આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસનની ધૂરા સંભાળ્યા પછી દેશમાં ઇતિહાસ રચાયો છે. તેમણે ભૂતકાળની સરકારોના કામોની આલોચના કરતાં જણાવ્યું કે, વર્ષ-૨૦૧૪ પહેલાં દેશમાં ભ્રષ્ટાચાર, ડર અને નિરાશાનો માહોલ હતો, દેશનું વાતાવરણ એવું હતું કે આ દેશનું હવે કોઇ ભવિષ્ય નથી. પરંતું શ્રી નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન બન્યા પછી દેશની કાયાપલટ થઇ છે. તેમણે જાતિ, ધર્મ, ક્ષેત્રથી ઉપર ઉઠીને દેશના સર્વાગી વિકાસ માટે કામ કર્યુ છે જેનાથી દેશ અને દુનિયામાં ભારતની ઇજ્જત વધી છે તેમ તેમણે જણાવ્યું હતું. 

             મંત્રીશ્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે જમીન, દરીયાઇ અને હવાઇ સુરક્ષા વધારીને દેશને વધુ સુરક્ષિત બનાવ્યો છે. દેશના દુશ્મનો કાંકરીચાળો કરે તો ગોળીઓના બદલે ગોળાઓથી જડબાતોડ જવાબ આપીને ભારતનું આત્મગૌરવ વધે તેવા પ્રયાસો આ સરકારે કર્યા છે. રશિયા-યુક્રેન યુધ્ધના સમયે આપણા ત્રિરંગાની આન-બાન-શાન થી ભારતીય વિદ્યાર્થીઓને સહી-સલામત વતનમાં પાછા લાવ્યા છે. તેમણે ઉમેર્યુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતે આર્થિક ક્ષેત્રે પણ છલાંગ લગાવીને વિકાસ કર્યો છે. ભારત બ્રિટનને પાછળ છોડી વિશ્વની પાંચ નંબરની ઇકોનોમી બની ગયો છે એ સૌ ભારતીયો માટે આનંદ અને ગૌરવની બાબત છે. પહેલાંના સમયમાં આપણે વિદેશોથી વસ્તુઓ આયાત જ કરતા હતા આજે તમામ ચીજવસ્તુઓની નિકાસમાં પણ ભારત અગ્રેસર છે.

              મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ ખેડુતો, મહિલા અને ખેલાડીઓનું મનોબળ વધારીને તેમને આગળ વધવા પ્રેરણા આપી છે. કાશ્મીરમાંથી કલમ-૩૭૦ હટાવીને કાશ્મીરમાં વિકાસની ધારા વહાવી છે. તેમણે કહ્યું કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પર દરેક વ્યક્તિ વિશ્વાસ કરીને તેમને ચાહે છે જેના પરિણામે દુનિયામાં ભારતનું મસ્તક ઉચું થયું છે.   

            નાગરિક ઉડ્ડયન અને પ્રવાસન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું કે, વિશ્વ નેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ડીસા એરોફોર્સ સ્ટેશનનું લોકાર્પણ થવાથી ગુજરાતમાં આજે પાંચમાં એરબેઝનો શિલાન્યાસ થયો છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં સર્વાંગી વિકાસની સાથે જમીની, દરિયાઈ અને હવાઈ માર્ગે સેનાનું મજબુતીકરણ થયું છે. મંત્રીશ્રીએ કહ્યું કે, આધુનિક ટેકનોલોજીના આ ફાસ્ટ યુગમાંના રક્ષણ માટે ફાઈટર પ્લેનનો ખૂબ મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે તે આપણે રશિયા-યુક્રેનના યુધ્ધમાં પણ જોયું છે. પુલવામાં હુમલા બાદ ફાઈટર પ્લેનના ઉપયોગથી આપણા દેશના જવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો. 

           મંત્રીશ્રીએ જણાવ્યું કે, ડીસા એરબેઝ બનવાથી સમગ્ર ગુજરાતની જનતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપણું ગુજરાત 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો ધરાવે છે. આ એરબેઝના માધ્યમથી દેશની સુરક્ષા અને સલામતિમાં વધારો થશે તથા આંતરરાષ્ટ્રી ય સરહદો વધુ સુરક્ષિત બનશે. તેમણે ઉમેર્યુ કે, આપણી હિન્દુસ્તાન-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર બી.એસ.એફ.ના જવાનો રાતદિવસ સુરક્ષા કરે છે. તેનાથી નાગરિકો વાકેફ થાય અને સરહદને નજીકની જોઇ શકે તે માટે નડાબેટ ખાતે વાઘા બોર્ડરની જેમ સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેની મોટી સંખ્યામાં લોકો મુલાકાત લઇ રહ્યાં છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતની અંદર નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા એરપોર્ટની તર્જ પર તાલુકા મથકોએ હેલિકોપ્ટર ઉતરી શકે એવા હેલીપેડ બનાવવાના છે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં વાયુ સેના ભારતની પશ્ચિમી સરહદો પર જમીન અને સમુદ્ર પર એકસાથે ઑપરેશન કરવા તથા અમદાવાદ અને વડોદરા જેવા મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોની નિર્ણાયક હવાઇ સુરક્ષા મજબૂત બનાવશે.

          આ પ્રસંગે સંસદ સભ્યશ્રી પરબતભાઇ પટેલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાને એરફોર્સનું નવું નજરાણું મળ્યું છે જેનાથી જિલ્લાના વિકાસની સાથે દેશની સુરક્ષામાં વધારો થશે.

           આ પ્રસંગે ધારાસભ્યશ્રી શશીકાંતભાઇ પંડ્યા, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રીશ્રી કેશાજી ચૌહાણ અને શ્રી હરજીવનભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી મફતલાલ પુરોહિત અને ગોવિંદભાઇ પ્રજાપતિ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી હેમરાજભાઇ ચૌધરી, શ્રી બાબરાભાઇ ચૌધરી, એર માર્સલશ્રી આશુતોષ દિક્ષિત, મેજર જનરલશ્રી સંજય મલિક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નિલ ખરે સહિત અધિકારીઓ- પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.