પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આવતી કાલે તા.૧૯ ઓક્ટોબરના રોજ ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી 4-5 વર્ષમાં સ્પીડ અને સ્કેલ થકી શાળાઓમાં સર્વગ્રાહી પરિવર્તન લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ માટે કુલ 50,000 વર્ગખંડો અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 20,000 કમ્પ્યુટર લેબ અને 5,000 અટલ ટિંકરિંગ લેબ્સ બનાવવામાં આવશે. સાથે સાથે
રૂ. 5,567 કરોડના શાળાના માળખાકીય કામોની અમલવારી તબક્કાવાર થશે. એક જ દિવસે આટલા મોટા સ્તરની શાળામાં માળખાકીય સુવિધાઓ માટેની દેશમાં ઘોષણા થવા જઈ રહી છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, હાલમાં, કુલ રૂ. ૧,૬૫૦ કરોડના ખર્ચે ૭,૦૦૦ શાળામાં ૮,૦૦૦ વર્ગખંડો અને ૨૦,૦૦૦ અન્ય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે. વધુમાં, કુલ રૂ. ૨,૮૮૧ કરોડથી વધુના ખર્ચે ૪,૦૦૦થી વધુ શાળાઓમાં કુલ ૧૩,૫૦૦ વર્ગખંડો તેમજ અન્ય સંકુલો જેમકે છાત્રાલય, જીલ્લા શિક્ષણ તાલીમ ભવન, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય વગેરે કાર્યોનો આરંભ ટૂંક સમયમાં થશે. ઉપરોક્ત પૈકી, આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં 12,564 વર્ગખંડોના નિર્માણ માટે 3,991 શાળાઓ માટે માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાંથી 1,386 શાળાઓમાં 4,340 વર્ગખંડોના નિર્માણ માટે રૂ. 700 કરોડના કાર્યો આરંભ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યુ કે, 23,000 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ સહિત 11,000થી વધુ શાળાઓમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવા માટે રૂ. 286 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. વધુમાં, 90,000 થી વધુ કમ્પ્યુટર્સ સાથે 6,000થી વધુ કોમ્પ્યુટર લેબ પ્રદાન કરવા માટે રૂ. 375 કરોડથી વધુના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ 15,000 થી વધુ શાળાઓમાં 30,000 સ્માર્ટ ક્લાસરૂમ પ્રદાન કરવા રૂ. 350 કરોડ રૂપિયાથી વધુના કામો પણ ટૂંક સમયમાં આરંભાશે. અન્ય પહેલો હેઠળ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યાઓ ભરવા, વિશિષ્ટ વિષય શિક્ષકોની જોગવાઈ, શિક્ષક ભરતીના નિયમોમાં સુધારણા, શિક્ષક તાલીમ અને પુરસ્કાર કાર્યક્રમો, બાળકો માટે પ્રી-સ્કુલ શિક્ષણ, અને ઉપચારાત્મક શિક્ષણ સાથે એક્સેલેન્સ અભ્યાસક્રમ જેવા વહીવટી પ્રકલ્પો દ્વારા પૂરક બનાવાશે. અપેક્ષા રાખવામાં આવે છે કે આ પ્રયાસો દરેક વિદ્યાર્થીઓ માટે યોગ્ય શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ માટે ધોરણ દીઠ એક શિક્ષક અને એક વર્ગખંડ પ્રદાન કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, શિક્ષકો માટેની નવી ટ્રાન્સફર પોલિસીમાં જોગવાઈ કરવામાં આવી છે કે સ્કૂલ ઓફ એક્સેલન્સ હેઠળ આવતી શાળાઓ માટે મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ અગ્રતાના ધોરણે ભરવામાં આવશે. આ મિશનમાં ટેક્નોલોજી મુખ્ય ભૂમિકા ભજવશે જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ઓનલાઈન હાજરી, ઓનલાઈન ડેટા એનાલિટિક્સ-આધારિત મેનેજમેન્ટ, ડિજિટલ લર્નિંગ,એડમીનીસ્ટ્રેટીવ ટેક્નોલોજીનો ઉપયોગ, સિવિલ વર્ક વગેરેનું રીઅલ ટાઇમ મોનીટરીંગ થશે.
મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ હેઠળ પ્રણાલીગત ફેરફારો, પ્રગતિની સતત અને અસરકારક દેખરેખ સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ (GSQAC) દ્વારા ગુણોત્સવ ૨.૦ અંતર્ગત એક્રેડીટેશન માળખું બનાવવામાં આવ્યું છે જે શિક્ષણ અને અધ્યયનના ઉપયોગ, એડમીનીસ્ટ્રેટીવ, સહ-શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સંસાધનોનો ઉપયોગ વગેરે જેવા ક્ષેત્રોમાં શાળાઓનું મૂલ્યાંકન કરી ગ્રેડ આપે છે. રાજ્યનું શિક્ષણ વિભાગ રાજ્યમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી એક્સેલેન્સ હાંસલ કરવાના એકંદર ઉદ્દેશ્ય સાથે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશનનો શુભારંભ કરશે.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.