ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં ચોમાસું શરૂ થવા સાથે પાણીજન્ય રોગચાળો માથું ઉંચકી રહ્યો છે અને તા. 30 જુલાઈ સુધીમાં ઝાડા-ઉલટીના 916 કમળાના 245 અને ટાઈફોઈડના 258 કેસ નોંધાયા છે. ગત વર્ષે જુલાઈમાં નોંધાયેલા રોગચાળાની સરખામણીએ ચાલુ વર્ષે ઝડા-ઉલટીના કેસો, કમળાના કેસો અને ટાઈફોઈડના કેસોમાં દોઢ ગણો વધારો થયો છે. આગામી દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. ગત વર્ષે જુલાઈ મહિનામાં ઝાડા- ઉલટીના 659 કેસ હતા. જ્યારે ચાલુ વર્ષે તા. 30 જુલાઈ સુધીમાં ઝાડા- ઉલટીના 916, કમળાના 245 અને ટાઈફોઈડના 258 કેસ નોંધાયા છે.


શહેરમાં ઘણાં સમય પછી કોલેરોના 2 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે તા. 30 જુલાઈ સુધીમાં સાદા મેલેરિયાના 98, ડેન્ગ્યુના 43, ફાલ્સીપારમના 02 અને ચીકન ગુનિયાના ૧૨ કેસ નોંધાયા છે. ચોમાસામાં મૂશળધાર વરસાદ વરસવાને પગલે ઠેર ઠેર પાણી ભરાવાને કારણે તેમજ ગંદકી અને કાચવ- કીચડ થવાને કારણે પાણીજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે અને પાણી ભરાવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે.

ગત જુલાઈ મહિનામાં કમળાના 177 કેસ હતા ટાઈફોઈડના 165 કેસ નોંધાયા હતા. શહેરના મધ્ય ઝોન, પૂર્વના વિસ્તારોમાં પાણીમાં પોલ્યુશનની વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે અને ખાડિયા, શાહપુર, દરિયાપુર, બાપુનગર, ખોખરા, ઓઢવ, લાંભા, વિરાટનગર, નિકોલ, મણિનગર, ઈસનપુર, સહિત પૂર્વના પટ્ટાના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળાના કેસો વધુ નોંધાયા છે.

મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા ફેરિયા, પાણીપુરીની લારીઓ, તેમજ અન્ય ખુલ્લા અને આરોગ્યના નિયમોનું પાલન નહીં કરનાર ખાણી પીણીના ધંધાદારીઓના સ્થળો પર સઘન ચેકિંગ કરવામાં આવશે. ચોમાસામાં ચેકિંગ સધન બનાવવામાં આવશે અને પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે પગલાં લેવામાં આવશે. જુલાઈ મહિનામાં પાણીના 63 સેમ્પલ અનફીટ આવ્યા છે.