રૂપિયા ૧૦૦૦ કરોડના ખર્ચથી નિર્માણ પામનાર ડીસા એરબેઝનું તા. ૧૯ ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલી ખાતમૂર્હત કરાશે..
લાખણી તાલુકાના નાંણી ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટ અને ગુજરાતના પ્રવાસન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી ઉપસ્થિત રહેશે..
(માહિતી બ્યુરો પાલનપુર)
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રી ય બોર્ડર ધરાવતા બનાસકાંઠા જિલ્લાના ડીસા અને લાખણી તાલુકાના નાંણી ખાતે રૂ.૧૦૦૦ કરોડના ખર્ચથી નિર્માણ પામનાર એરબેઝ રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આવતીકાલ તા.૧૯ ઓક્ટોબરના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાનાર ડિફેન્સ એકસ્પો કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ભૂમિપૂજન કરવામાં આવશે..
લાખણી તાલુકાના નાંણી ખાતે આવતીકાલ સવારે-૯.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રીશ્રી અજય ભટ્ટ અને ગુજરાત સરકારના પ્રવાસન મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, સંસદ સભ્યશ્રી અને ધારાસભ્યશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લામાં કુલ-૪૫૦૦ એકર જમીનમાં રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચથી આકાર પામનાર આ એરફોર્સ સ્ટેશન ૨૦૨૪ સુધીમાં તૈયાર થશે. ભારત-પાકિસ્તાન સરહદથી ૧૩૦ કિ.મી.નું અંતર ધરાવતું આ એરબેઝ વ્યૂહાત્મક રીતે ખુબ ઉપયોગી સાબિત થશે અને સરહદી સુરક્ષામાં વધારો થશે..