કડી પોલીસ સ્ટેશનમાં ગુનામાં વપરાયેલ સાધનોમાં અચાનક જ આગ ભભૂકતા અફડાતફડી મચી ગઈ હતી. કડી પોલીસ સ્ટેશનમાં આવેલા પોલીસ ક્વાર્ટર પાસે ગુનામાં વપરાયેલ સાધનોમાં અચાનક જ આગ ભભૂકતા સ્થાનિકોમાં અફડાતફડી મચી જવા પામી હતી. સ્વિફ્ટ, રીક્ષા, એસન્ટ સહિત કુલ 6 સાધનોમાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
કડી પોલીસ સ્ટાફના રહેણાંક ક્વાર્ટર વિસ્તારમાં મૂકેલા મર્ડર, પ્રોહિબિશન જેવા ગુનામાં વપરાયેલ સાધનોમાં અચાનક જ આગ ભભુકતા પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમજ કડી નગરપાલિકામાં ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. કડી પાલિકાની 2 ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળે દોડી આવીને મહા જહેમતે આગને કાબુમાં લીધી હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આગ કાબુમાં આવતા પોલીસ કર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ આગની ઘટનામાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.