ગુજરાત માં દારૂબંધી હોવાછતાં પોલીસ કોઈ કડક કાર્યવાહી કરતી નહિ હોવાથી દારૂબંધી મજાક બનીને રહી ગઈ છે અને રાજ્યમાં જોઈએ તેટલો દારૂ મળે છે ત્યારે પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હોય આ વિસ્તારમાં દારૂ પી પી ને મરવા વાળા લોકોની સંખ્યા વધી ગઇ છે.
દારૂના અડ્ડાઓ બંધ નહિ થતા આખરે કદવાલ ગામે મહિલાઓ દ્વારા રેલી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં સૂત્રોચાર કરી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે રજુઆત કરી હતી.
કદવાલ તથા આજુબાજુના ગામોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પોલીસ દારૂબંધીનો અમલ કરાવતી નથી પરિણામે કદવાલમાં અનેક ગરીબ મહિલાઓ વિધવા બની ગઈ છે અને કેટલાક નાના નાના બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. દારૂના રવાડે ચડેલા યુવાનો નાની ઉંમરે જ મુત્યુ થઈ રહ્યા છે.
ગુજરાતમાં દારૂબંધી માટે કડક કાયદા હોવાછતાં પણ પોલીસ દ્વારા કોઈ પગલાં નહિ ભરવામાં આવતા આખરે કદવાલ ગામની મહિલાઓ દ્વારા આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ રેલી કાઢી કદવાલ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી દારૂના અડ્ડા બંધ કરવાની માગ કરી હતી અને જો આગામી દિવસોમાં દારૂ અડ્ડા બંધ નહિ થાયતો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.