ગીર સોમનાથમાં મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

-----------

ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૫૬૫૪ લાભાર્થીઓને સાઈકલ, ટ્રેક્ટર, રિક્ષા સહિત રૂ. ૭.૦૧ કરોડની સહાયનું વિતરણ કરાયું

------------

ગરીબ મેળા થકી છેવાડાના માનવીનું જીવન ધોરણ ઉંચુ આવ્યું છે : મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા

------------

ગીર સોમનાથ, તા-૧૫: રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની પણ પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય તે મુજબ વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ત્યારે પારદર્શિતાથી સીધો લાભ આપવા માટે પંચાયત વિભાગના રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને સદભાવના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં ૫૬૫૪ લાભાર્થીઓને રૂ.૭.૦૧ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

            આ તકે પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગરીબોને પારદર્શક રીતે સહાય, સબસીડી અને અન્ય લાભો મળી રહે તે માટે ૨૦૧૦માં આ ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સરકારનો હેતુ એ છે કે, વંચીતો અને છેવાડાના માનવીનું પણ જીવન ધોરણ ઉંચુ લઈ આવવું અને તે હેતુને જ ધ્યાનમાં રાખીને આ ગરીબ મેળા યોજવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાનાં છ તાલુકામાં ૫૬૫૪ લાભાર્થીઓને ૭.૦૭ કરોડથી વધુની રકમની જુદી જુદી કીટ તેમજ સહાય વગેરે લાભોનું વિતરણ કરાયું છે. જે દર્શાવે છે કે, ગુજરાત સરકાર એ વિકાસથી વંચીતોની ચિતાં કરતી સરકાર છે. વધુમાં તેમણે ઉમેર્યુ હતું કે, ડબલ એન્જિન સરકાર આવા જ કલ્યાણકારી પગલાઓ ભરીને આપણા ગુજરાતના ખૂણે ખૂણાનો સમતોલ વિકાસ થાય તે માટે કટિબધ્ધ છે. આ સાથે જ તેમણે સોમનાથ દાદાના દર્શન અને પૂજા કરવાની તક મળી તે અંગે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

            આ તકે મુખ્ય સ્ટેજ પરથી વિવિધ વિભાગની યોજનાના ૧૯ લાભાર્થીઓને મહાનુભાવોનાં વરદ હસ્તે સહાય તેમજ કીટ વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત આ ગરીબમેળાના સ્થળ પર લોકોને સરકારની કલ્યાણકારી વિવિધ યોજનાઓની જાણકારી મળી રહે તે હેતુસર આરોગ્ય વિભાગ, જિલ્લા પુરવઠા વિભાગ, પશુપાલન, જલજીવન મિશન, બાગાયત ,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડી.આર.ડી.એ, શ્રમ અને રોજગાર, સામાજિક વન વિભાગ, સમાજ કલ્યાણ, શહેરી વિકાસ, મહિલા અને બાળ વિકાસ, આદિજાતિ વિકાસ, મહેસુલ, પુરવઠા જેવા વિવિધ વિભાગના ૧૯ સ્ટોલ કાર્યરત કરવામા આવ્યા હતાં

ઉપરાંત આ કાર્યક્રમમાં ચૂંટણી અને સેલ્ફી પોઇન્ટ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં તો સરકારની સાફલ્યગાથા દર્શાવતીફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું અને મહાનુભાવોના હસ્તે પંચાયત વિભાગ અંગેની કોફી ટેબલ બુકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી રાજેન્દ્રસિહ ગોહિલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યુ હતું તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા આભારવિધી કરવામાં આવી હતી.

આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ બીજ નિગમના ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પુર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસીગભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, વેરાવળ-પાટણ નગરપાલીકા પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, વેરાવળ તાલુકા પ્રમુખશ્રી સરમણભાઈ સોલંકી, અગ્રણી શ્રી બચુભાઇ વાજા, અધિક વિકાસ કમિશનર શ્રી ડી. ડી જાડેજા સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી વાય.ડી.શ્રીવાસ્તવ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

00 0000 00 0000