અમદાવાદ

શ્રાવણ માસ એટલે જુગારીઓની મૌસમ.જોકે જુગારીઓ પર લગામ રાખવા સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાથી હવે અન્ય એજન્સીઓ દરોડો પાડી રહી છે. ત્યારે નરોડામાં વરલી મટકાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ. 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડતા નરોડા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.
અમદાવાદમાં ફરીએકવાર સ્ટેટ મોનીટરીંગ સેલે સપાટો બોલાવ્યો.સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ સી.એન.પરમાર અને તેમની ટીમને બાતમી મળી હતી કે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ જવાહર કોલોનીમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો છે.જે બાતમીની હકીકતના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડ્યો હતો.જ્યાં સ્થળ પરથી પાંચ વ્યક્તિઓ જેઓ જુગારના આંકડા લખી રહ્યા હતા અને 2 લોકો આંકડા લખાવવા આવ્યા હતા.જેથી સ્ટેટ મોનીટરીંગ સેલે કાર્યવાહી કરતા જુગાર લખનાર અને લખાવવા આવનાર મળી કુલ 7 લોકોની ધરપકડ કરી તેમની પાસેથી રૂ.1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.બીજી બાજુ અન્ય 2 લોકોને વોન્ટેડ જાહેર કરી દીધા હતા.