વેરાવળની આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો
શાળાના બાળકોની પ્રાથમિક દ્રષ્ટિ ચકાસણી અને હૃદયની તકલીફની પણ થઈ તપાસ
ગીર સોમનાથ, તા. ૧૧: વેરાવળ તાલુકાની આદિત્ય બિરલા પબ્લીક સ્કુલમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમનાં ડો.ઈશ્વર ડાકી, ડો વિએના જીંજુવાડીયા તથા ફાર્માસિસ્ટ દિવ્યા સામાણી દ્વારા પ્રાથમિક શાળાના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન ગંભીર રોગ જેવા કે હૃદયની જન્મજાત ખામી, ક્લેફટ લીપ પેલેટ તેમજ લેપ્રસી જેવા રોગના બાળકોનું સ્ક્રિનિંગ કરી તેમને સઘન સારવાર અર્થે સંદર્ભ સેવા આપેલ હતી. આ સાથે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ અન્વયે શાળાના બાળકોની પ્રાથમિક દ્રષ્ટિની પણ તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો તથા આચાર્ય સાહેબ ડો.શર્માનો પણ સહયોગ રહ્યો હતો તેમજ આ પ્રોગ્રામ અંતર્ગત ૧ બાળકમાં જન્મજાત હૃદયની તકલીફ અને ૧૯ બાળકોને આંખના નંબર અન્વયે વધુ તપાસ અર્થે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે રિફર કરવામાં આવ્યાં હતાં.