સુરેન્દ્રનગર જિલ્લાના હાઇવે પર અકસ્માતોની ઘટનાઓ દિન પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. અને વાહનચાલકો પણ બેફિકરાઇ પૂર્વક પુરઝડપે વાહનો ચલાવી અને અકસ્માત સર્જાતા અનેક લોકોના જીવ ગયા હોવાની ઘટનાઓ પણ અવારનવાર સામે આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જસદણ નેશનલ હાઈવે ઉપર કુંઢડા ગામના પાટિયા પાસે ઇકો કાર અને વેગનઆર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતાં તાત્કાલિક અસરે એમને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી એક વ્યક્તિને વધુ ગંભીર ઇજાઓ થવાના કારણે તેને તાત્કાલિક અસરે રાજકોટ સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. હાલમાં ચોટીલા પોલીસને આ અંગેની જાણકારી મળતા તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને હાલમાં ફરિયાદ નોંધવાની તેમજ તપાસની આગળની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.