વરસાદી વાતાવરણ વચ્ચે ગુજરાતમાં રોડ રસ્તાની હાલત કથળી પડી છે. લોકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે. વારંવાર ટકોર કરવા છતા પણ હમેશા તંત્રના કાન આડા હાથ કરી દે તેવી સ્થિતિ છે. આજે ખેડા જિલ્લાના લસુન્દ્રા પાસે એક અકસ્માત થયો છે.અહી કાર અને મોપેડ વચ્ચે ટક્કર થતા મોપેડ ચાલક દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ આ દંપતી નડિયાદથી બાલાસિનોર જઈ રહ્યું હતું અને તે દરમિયાન જ કાર સાથે અથડામણ થઈ. મોપેડના ચીથરા ઉડી ગયા અને કાર ફંગોળાઈ હાઈવે નજીકની ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માત પાછળનુ કારણ ખરાબ રસ્તો માનવામા આવી રહ્યુ છે. અકસ્માતની જાણ થતા જ કઠલાલ પોલીસ આવી પહોંચી હતી અને બંને મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં પીએમ માટે મોકલવામા આવ્યા છે.