નાનકડી સ્વરાને RTE હેઠળ એડમિશન મળતા કેવડિયા પરિવારને મળી 'ચિંતા થી મુક્તિ

સુરતના કતારગામની નાનકડી સ્વરા ચિરાગભાઈ કેવડિયાની. આ દીકરીએ અડાજણ વિસ્તારની પ્રતિષ્ઠિત અને શિક્ષણમાં શિરમોર સમાન સંસ્કારભારતી શાળામાં ધો.૧માં 'રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ હેઠળ એડમિશન મેળવ્યું છે. તેમની છ વર્ષીય દીકરી સ્વરાને ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ હેઠળ એડમિશન મળતા પરિવારને 'ચિંતા સે મુક્તિ' મળી છે અને આર્થિક ભારણ સદંતર હળવું થયું છે. 

               કતારગામના ડભોલી સર્કલ પાસે સ્વામિનારાયણનગર સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ પટેલ અમદાવાદ જિલ્લાના ધોલેરાના ભડિયાદ (પીર) ગામના વતની છે. તેઓ ટેક્ષટાઈલ જોબવર્ક સાથે સંકળાયેલા છે. 

               ચિરાગભાઈ જણાવે છે કે, મધ્યમવર્ગીય પરિવારોને બાળકોના પ્રાથમિક શિક્ષણની ચિંતા સતાવતી હોય છે. આવા સંજોગોમાં સરકારે શિક્ષણનો અધિકાર લાવીને અમારા જેવા સામાન્ય વર્ગના નાગરિકોની સઘળી ચિંતા દૂર કરી દીધી છે. હવે મારી બાળકીના પ્રાથમિક શિક્ષણ અંગે મને કોઈ ચિંતા રહી નથી. સરકારે અમારા માટે જ RTE એક્ટ- શિક્ષણનો અધિકાર કાયદો ઘડ્યો હોય એવું લાગી રહ્યું છે. મારી બાળકીની શિક્ષણની જવાબદારી પોતાના શિરે લઈને રાજ્ય સરકારે સાચા અર્થમાં માતાપિતાની ભૂમિકા નિભાવી છે. ‘પ્રજાના નાથ’ કોને કહેવાય એ અમને હવે સારી રીતે સમજાયું છે.

          ચિરાગભાઈ દીકરીને ભણાવી ગણાવી ડોક્ટર બનાવવા ઈચ્છે છે. તેઓ જણાવે છે કે, જ્યાં પ્રવેશ મેળવવો અઘરો હોય એવી ખાનગી શાળામાં માત્ર RTE ના કારણે જ પ્રવેશ અને એ પણ વિનામૂલ્યે મળે છે. તેમણે નાના બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બનાવવા RTE એક્ટ જેવા અનેકવિધ પગલાઓ-યોજનાઓ અમલી બનાવવા બદલ સરકારનો હ્રદયથી આભાર વ્યક્ત કર્યો હતો.