કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલના વિરોધમાં પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે.

           ગુજરાત રાજ્યમાં તેના છેલ્લા લગભગ ત્રણ દાયકાના સદંતર નિષ્ફળ શાસન, ગેરવહીવટ અને આપખુદશાહી પ્રજાવિરોધી નિર્ણયોના પરિણામ હવે જ્યારે ભીંત ઉપરના લખાણ જેવા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ તેમના છેલ્લી ઘડીના પ્રયાસો કરીને પ્રજા ઉપર ધાક જમાવવા હવાતિયાં મારી રહ્યાં છે તેના બોલતા પૂરાવા રૂપ ઘટનામાં શનિવારે કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તાકીદ કરે છે કે આવી કોઈ ઘટના સાંખી લેવામાં આવશે નહીં. હકીકત એ છે કે, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકોના હિત અને અધિકાર માટે લડતાં અને આદિવાસી પ્રજામાં ભારે લોકચાહના મેળવી રહેલાં શ્રી અનંત પટેલના નિશ્ચિત વિજયને સાંખી નહીં શકતાં કથિત રીતે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર દ્વારા કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્યશ્રી અનંત પટેલ ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. પ્રજાલક્ષી કે જાહેર હિતના કોઈ કામ છેલ્લા ૨૫ વર્ષ દરમ્યાન નહીં કર્યા હોવાથી પ્રજાના રોષનો ભોગ બની રહેલા ભાજપના નેતાઓ હવે ચૂંટણીમાં વિજય મેળવવા પ્રજા ઉપર ધાક જમાવવા આવી નિમ્ન સ્તરીય રાજનીતિ આચરી રહ્યાં છે, જેને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.

        કોંગ્રેસ પક્ષના નેતાઓ આથી જણાવીએ છીએ કે, આ ઘટના અંગે તાકીદે તપાસ હાથ ધરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં તે માટે અગમચેતીરૂપ પગલાં લેવામાં આવે. જો આ ઘટનાના દોષિતો સામે સત્વરે કાયદાકીય પગલાં નહીં લેવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે

પાવી, જિ. ખેરગામ, જી. નવસારી ખાતે અમારા પક્ષના ધારાસભ્ય અનંત પટેલ પર હૂમલાની ઘટનાની ચિનગારી આગામી દિવસોમાં ગુજરાતના સમગ્ર આદિવાસી પટ્ટામાં પ્રચંડ જવાલારૂપે પ્રગટશે અને રાજ્યમાં આદિવાસીપ્રજા તરફથી કોંગ્રેસ પક્ષને મળી રહેલા પ્રચંડ પ્રતિસાદથી હતાશ થઈ ગયેલા ભારતીય જનતા પક્ષની આવી નિમ્ન સ્તરીય રાજનીતિને ફરીથી એકવાર સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે.

      ધારાસભ્ય અનંત પટેલ પરના હુમલાની આ નીંદનીય ઘટનાના થોડાક જ દિવસો પૂર્વે ભાજપની આવી નિમ્ન સ્તરીય રાજનીતિ અને સરકારી તેમજ પોલીસ તંત્રના ખુલ્લેઆમ બેફામ દુરુપયોગની અન્ય ઘટના રૂપે સુરત શહેરમાં કોંગ્રેસ દ્વારા યોજાયેલ વિરોધ પ્રદર્શન બાદ પોલીસ દ્વારા કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓને પાસા હેઠળ સુરત જિલ્લા બહારની જેલમાં મોકલી આપવામાં આવેલ તેને પણ પાવીજેતપુર કોંગ્રેસે વખોડયું હતું અને ભારતીય જનતા પક્ષ અને સરકારી તંત્રના તેના મળતિયા અધિકારીઓને આવી કોઈપણ ગેરબંધારણીય અને ગેરકાયદેસર તેમજ રાજકીય બદઈરાદા પ્રવૃત્તિઓથી દૂર રહેવા તાકીદ કરીએ છીએ.