ભારત દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના તમામ સોશિયલ મીડિયા પેજની ડીપી (ડિસ્પ્લે પિક્ચર) બદલી નાખી છે. તેમણે ડીપીમાં તિરંગાની તસવીર લગાવી છે. વડાપ્રધાને લોકોને તેમના સોશિયલ મીડિયા પેજના ડીપીમાં તિરંગો લગાવવાની પણ અપીલ કરી છે. પોતાના એક ટ્વીટમાં PM એ કહ્યું કે ‘2 ઓગસ્ટ એક ખાસ દિવસ છે. તેમણે કહ્યું છે કે ‘એવા સમયે જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ અને દેશ તિરંગા અભિયાન સાથે જોડાવા માટે ઉત્સાહિત છે, ત્યારે આપણે આપણા તિરંગા માટે જન આંદોલનની ઉજવણી કરવાની જરૂર છે. મેં મારા તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલી નાખી છે. હું તમને પણ એવું જ કરવાની અપીલ કરું છું.

રવિવારે તેમની ‘મન કી બાત’માં પીએમએ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ‘હર ઘર તિરંગા’ અભિયાનને સમગ્ર દેશમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી તહેવાર તરીકે ઉજવવામાં આવશે. લોકોને તેમના ઘરે તિરંગા ફરકાવવાની અપીલ છે. તેમણે કહ્યું, ‘તિરંગો આપણને એક કરે છે અને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપે છે.’ વડાપ્રધાને લોકોને અપીલ કરી કે તેઓ 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર રાષ્ટ્રધ્વજની તસવીર લગાવે.

આ 15મી ઓગસ્ટે દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થશે. આ ઐતિહાસિક અવસરની યાદમાં દેશભરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવવામાં આવી રહ્યો છે. સરકારે પણ આ ખાસ પ્રસંગને લઈને ખાસ તૈયારીઓ કરી છે. 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી સરકાર લગભગ 25 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવા જઈ રહી છે.

સરકારના આ અભિયાનને સંસ્કૃતિ મંત્રાલય અને રાજ્યો આગળ લઈ રહ્યા છે. તિરંગાનું ઉત્પાદન કરતી સંસ્થાઓ અને કંપનીઓ રાત-દિવસ રાષ્ટ્રધ્વજના નિર્માણમાં લાગેલી છે.