કડી તાલુકાના વડાવી ગામે બે દિવસ અગાઉ નજીવી બાબતમાં ત્રણ ઇસમો દ્વારા હત્યા કરાઈ હતી. વડાવી ગામે રહેતા રમેશજી ઠાકોરના પુત્રને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધો ચાલતા હતા. જે બાબતે યુવતીના પિતા સહિત અન્ય ઈસમો દ્વારા ગત સોમવારની સવારે વડાવી ગામના રમેશજી ઠાકોરની તિક્ષણ હથિયારો મારીને હત્યા કરી દેતાં બાવલુ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


કડી તાલુકાના વડાવી ગામે નજીવી બાબતમાં એક ઈસમની સોમવારે હત્યા કરી નાખવામાં આવતાં બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાબતે મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા બાવલુ પોલીસ સ્ટેશનના PSI એમ. એન રાઠોડને આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને PSI એમ. એન રાઠોડ તેમજ રાજુભાઇ, દિલીપભાઇ, ધવલસિંહ, પરેશકુમાર સહિતનો પોલીસ સ્ટાફ અલગ અલગ દિશામાં કામ કરી રહ્યો હતો. જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે વડાવી ગામે થયેલી હત્યાના આરોપીઓ કડીના વડાવીની સીમના ખેતરમાં છે. જેના આધારે પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવીને ઉભા હતા. તે દરમ્યાન કડી વડાવીના ખેતરમાંથી ઠાકોર લક્ષ્મણ ફુલાજી, ઠાકોર જયંતી ફુલાજી અને ઠાકોર કીશન પોપટજી એમ ત્રણ આરોપીઓને ઝડપાયા હતા. બાવલુ પોલીસે હત્યામાં વપરાયેલા તિક્ષણ હથિયારનો પણ કબ્જો મેળવીને ત્રણેય ઈસમોને જેલના હવાલે કર્યા હતા.