સુરતના ડિમ્પલબેન ચૌહાણ માટે આયુષ્માન ભારત યોજના આયુષ્યરક્ષક પુરવાર થઈ
સુરત શહેરી આરોગ્ય તંત્રની સંકલ્પબદ્ધતા અને સતર્કતાના પરિણામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-આયુષમાન ભારત હેઠળ સુરતના સામાન્ય પરિવારના ડિમ્પલબેન ચૌહાણ વિનસ હોસ્પિટલ ખાતે કિડનીની બિમારીના કારણે ડાયાલિસીસની મોંઘી ગણાય એવી ખર્ચાળ સારવાર વિનામૂલ્યે મેળવી રહ્યા છે. આયુષ્માન ભારત યોજના ડિમ્પલબેન માટે આયુષ્યરક્ષક પુરવાર થઈ છે.
લાભાર્થી ડિમ્પલબેન ચૌહાણે જણાવ્યું કે, ૨૦૦૫થી હું કિડની સમસ્યાથી પીડાઈ રહી છું. કિડની ડેમેજ હોવાનું નિદાન થયું હતું. તેના કારણે હાથપગમાં સોજા અને કિડની સંકોચાઈ જતા વધુ તબિયત લથડતી. એટલે દરરોજ ત્રણેય ટાઈમ ૨૦-૨૦ દવાની ગોળીઓ લેવી પડતી. ૨૦૨૧થી અઠવાડિયામાં મંગળવાર અને શુક્રવાર એમ બે વખત ડાયાલિસિસ કરાવવા જવું પડે છે. અમારી પાસે મા કાર્ડ તો હતું, જે આયુષ્માન યોજના તબદીલ થયું હતું. આ કાર્ડથી જ પરિવાર પર આવનાર આર્થિક સંકટ ટળ્યું છે. આ યોજના અંતર્ગત હોસ્પિટલ આવવા-જવા માટેની રૂ. ૩૦૦ની પણ સહાય મળે છે. જો આ આયુષ્યમાન કાર્ડ ન હોય તો રૂા. ૧૫૦૦ એક વખત ડાયાલિસિસ કરાવવાનો ખર્ચ થાય છે. પરંતુ કાર્ડ અંતર્ગત સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર મળતા અમારા પરિવારને આર્થિક સંકટમાંથી ઉગર્યો છે.
વધુમાં ડિમ્પલબેને કહ્યું કે, પતિ વર્ષોથી લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમ તો હું ઘર કામની સાથે સાથે પતિને પણ મદદરૂપ થઉં છું. આયુષ્યમાન કાર્ડને લીધે શૂળીનો ઘા સોય થી ટળ્યો હોય એવી રાહત અનુભવી રહી છું. અમારા જેવા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવાર માટે તો અકલ્પનીય છે. આ સરકારે અમારા જેવા અસંખ્ય પરિવારની સંભાળ રાખી રહી છે તેનું ઋણ અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ.
આમ, ગુજરાત નિરામય બંને, શ્રેષ્ઠ સારવાર સુવિધાઓ નાગરિકોને મળે અને તેઓ નિરોગી બને એ માટે સરકાર તત્પર છે. રાજ્યના મધ્યમવર્ગીય પરિવારોને સરળતાથી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે અને સુખમય જીવન વિતાવી શકે તે મારે રાજ્યની ડબલ એન્જિનની સરકારે નવી-નવી યોજનાઓ અમલી બનાવી છે. ત્યારે PMJAY યોજનાનો લાભ કતારગામના કિડનીના દર્દી ડિમ્પલબેનને મળતા તેમને સરકારનું આર્થિક પીઠબળ મળી રહ્યું છે.