ગુજરાતના અનેક જીલ્લાઓમાં લમ્પી વાયરસ ફેલાયો છે ત્યારે ભાવનગરમાં લમ્પી વાઈરસે આક્રમણ કર્યું છે. જિલ્લામાં કુલ 23 પશુઓના લમ્પીની બિમારીથી મોત નીપજ્યા છે. અગાઉ 3 ગાયોના મોત નિપજ્યા હતા. ગૌ સંવર્ગની પ્રજાતિમાં જોવા મળતી આ બીમારીમાં સારવાર મળે તે પહેલા જ પશુઓ ટપોટપ મોતના મુખમાં હોમાઈ રહ્યા છે.
- સંક્રમણના લીધે કુલ 23 પશુઓના મોત
- પશુપાલન વિભાગ દ્વારા 51,900 પશુઓને વૅક્સિન અપાઈ
અત્યાર સુધીના સર્વેમાં ૪૮૫ પશુઓ લમ્પીની બીમારીનો ભોગ બન્યા હોવાનું બહાર આવ્યુ છે. જે સંખ્યામાં હજુ પણ વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. આ સિવાય પણ ગારિયાધાર તાલુકામાં અગાઉ 3 બાદ વધુ બે મળીને કુલ 5 પશુઓના મોત નિપજ્યા છે, જ્યારે પાલિતાણા તાલુકામાં 2 અને વલભીપુર તાલુકામાં 1 પશુનું લમ્પીના વાઈરસથી મોત નીપજ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હાલમાં રસીકરણ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં ભાવનગર જિલ્લામાં 51,900 પશુઓને લમ્પી નિયંત્રણ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સર્વેની પણ કામગીરી ચાલું છે. લમ્પીના કેસમાં વધારો થવા સાથે છેલ્લા ત્રણેક દિવસમાં પશુઓના મોતની ઘટનાઓ પ્રકાશમાં આવતા પશુપાલકોમાં ચિંતા ઘેરી વળી છે.