સુરત શહેરના વરીયાવ ખાતે રૂા. ૨.૬૮ કરોડના ખર્ચે રોડ-રસ્તા, ડેનેજના વિકાસકામોનું ખાતમુહૂર્ત

સુરત શહેરના વરીયાવ ખાતે વિવિધ સ્થળો ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૨.૬૮ કરોડના ખર્ચે જનહિતલક્ષી વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.

         આ અવસરે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શહેરીજનોને સુખ સુવિધાઓમાં વધારો થાય તે માટે ગટર, પાણી, સ્ટ્રીટલાઈટ સહિતની ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તે માટેના અનેકવિધ વિકાસકામોને રાજય સરકાર સાકારિત કરી રહી છે. આવનારા સમયમાં બાકી રહેલા વિકાસકામોને સત્વરે પુર્ણ કરવામાં આવશે. 

              આ અવસરે ખાતમુહૂર્તના કામોમાં રૂા.૮૦ લાખના ખર્ચે રાધિકા રેસીડેન્સી થી ખાડી તરફ જતા ટી.પી.-૩૭ પર ૧૮ મીટર રસ્તો, રૂા.૧.૨૦ કરોડના ખર્ચે વેડ વરીયાવ બ્રિજ થી વડીયામેઇન રોડને જોડતો ટી.પી.-૩૭ પર ૧૮ મીટર રસ્તો, રૂા.૫૦ લાખના ખર્ચે સાકારિત થનાર વરીયાવ તાડવાડી જંક્શન થી રીંગ રોડ તરફ જતા ટી.પી.-૩૭ પરના ૧૮ મીટર ડ્રેનેજનું કામ, રૂા.૧૮ લાખના ખર્ચે નીલકંઠ પંચવટી થી મધુવન જતા રસ્તાના કાર્ય સહિત કુલ રૂા. ૨.૬૮ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું. 

           આ પ્રસંગે તાલુકા સંગઠન પ્રમુખશ્રી બ્રિજેશભાઈ પટેલ, કોપોરેટર સર્વશ્રીઓ અજીતભાઇ પટેલ, રાજેન્દ્રભાઇ પટેલ, ગીતાબેન સોલંકી, સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.