દિવંગત અભિનેતા-રાજકારણી એનટી રામારાવની પુત્રી અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના સંબંધી ઉમા મહેશ્વરીએ સોમવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. ઉમા મહેશ્વરી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહી હતી અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સારવાર ચાલી રહી હતી.

મહેશ્વરીએ હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ ખાતેના તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેની લાશ બેડરૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

જ્યુબિલી હિલ્સ પોલીસ ઓફિસર રાજશેખર રેડ્ડીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ તે ખરાબ તબિયતના કારણે ડિપ્રેશનથી પીડિત હતી. આત્મહત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને મૃતદેહને ઉસ્માનિયા હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સ્થાપક એનટીઆરની ચાર પુત્રીઓમાં તે સૌથી નાની હતી. એનટી રામારાવ એટલે કે એનટીઆરએ 1982માં તેલુગુ સ્વાભિમાનના નારા પર ટીડીપીની રચના કરી હતી. નવ મહિનાની અંદર તેમની પાર્ટીએ સત્તા મેળવી લીધી હતી. તત્કાલીન અવિભાજિત આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસનું એકલ પક્ષીય શાસન સમાપ્ત થયું હતું