પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની સન્નિધિમાં શ્રીહરિ મંદિરમાં ૪૧મુ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અનેક આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો સાથે ચાલી રહ્યો છે. જેના અનેક લોકો લાભ લઇ રહ્યા છે.  નવરાત્રિના છઠ્ઠા દિવસે પ્રતિદિન મુજબ શ્રીહરિ મંદિરમાં સર્વ શિખરો પર નુતન ધ્વજારોહણ, મા કરુણામયીની ષોડશોપચાર પૂજા, ઋષિકુમારો દ્વારા માં કરુણામયી સમક્ષ દુર્ગા-સપ્તશતી પાઠ વગેરે સંપન્ન થયા હતા. પૂજ્ય ભાઈશ્રી અને નવરાત્રિ ઉત્સવના મુખ્ય મનોરથી દ્વારા છઠ્ઠા નોરતે કુમારિકા પૂજન અને શ્રીહરિની બગીચીમાં સ્થિત મહિસાસુરમર્દિની માતાજીની પંચોપચાર પૂજા કરવામાં આવી. 


શ્રીરામચરિત માનસ અનુષ્ઠાન

અનુષ્ઠાન પૂર્વે મનોરથી પરિવાર દ્વારા પૂજ્ય ભાઈશ્રી અને શ્રીરામચરિત માનસ પોથીજીનું પૂજન કરવામાં આવ્યું અને એ સાથે મંગલાચરણ સાથે શ્રીરામ ચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો.

 પુસ્તક વિમોચન
 
પૂજ્ય ભાઈશ્રી દ્વારા ચાલી રહેલા ૪૧ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન દરમ્યાન ચોથા નોરતે તા.૨૯-૦૯-૨૨ ના રોજ સંપૂર્ણ શ્રાવણ મહિનામાં પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખે પ્રસ્તુત થયેલ શિવ-મહિમાનું શબ્દદેહે 'જગત માતુ પિતુ શંભુ ભવાની' જે પુસ્તક સ્વરૂપે સર્જન થયું છે તેનું પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. સત-સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને સીનીયર પત્રકાર ઘનશ્યામભાઈ મહેતા થા સહ સંપાદક ટીના ચંદારાણા દ્વારા સંપાદિત આ પુસ્તક બે ભાગમાં તૈયાર થયેલ આ પુસ્તક શિવભકતોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક મનોરથી અને સાંદીપનિ ટ્રસ્ટી બજરંગલાલ તાપડીયા, સત-સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ મહેતા, ટ્રસ્ટી ડૉ ભરતભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. જેઓને પૂજ્ય ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા હતા.   

શ્રીહરિ મંદિરમાં જલ-પુષ્પાભિષેક મનોરથ
શારદીય નવરાત્રિ છટ્ઠા નોરતે શ્રીહરિ મંદિરમાં સાયં આરતી બાદ કરુણામયી માંનો જલ-પુષ્પાભિષેક મનોરથ સંપન્ન કરવામાં આવ્યો. પૂજ્ય ભાઈશ્રી અને મનોરથી શ્રી બજરંગલાલ તાપડીયાજી દ્વારા કરુણામયી માં ને પંચામૃતથી અને કેસર-મિશ્રિત જલ દ્વારા તેમજ વિવિધ ફળ ના રસ અને વિવિધ સુગંધિત પુષ્પો વડે શાસ્ત્રોક્ત વિધિ સાથે અભિષેક કરવામાં આવ્યો. આ દિવ્ય અભિષેકવિધિની ઝાંખીના દર્શન કરવા માટે અનેક ભક્તો પ્રત્યક્ષ અને sandipani.tv ના માધ્યમથી પરોક્ષ રીતે જોડાયા હતા.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન સાથે વિવિધ મનોરથ
સાંદીપનિમાં શારદીય નવરાત્રિમાં ૪૧મા શ્રીરામચરિત માનસ અનુષ્ઠાનની સાથે-સાથે યજ્ઞસેના ટીમ દ્વારા મા મહિષાસુરમર્દિનીનું સંપૂર્ણ વેદોક્ત અને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું છે અને એ સાથે સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય શ્રી બીપીનભાઈ જોશી દ્વારા સંપૂર્ણ શ્રીમદ્ દેવીભાગવતનું પાઠાત્મક અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યું છે. એ ઉપરાંત મા  ભગવતીની આરાધના સ્વરૂપે વિવિધ મનોરથ જેવા કે સપાદ નવાર્ણમંત્ર અનુષ્ઠાન, શતચંડી અનુષ્ઠાન, દેવીરાજોપાચાર પૂજા, બ્રહ્મમુહુર્તમાં દેવીપુજા અને ૧૦૮ દીપ અર્પણ, દેવી અથર્વશીર્ષ ૧૦૮ પાઠ, સરસ્વતીદેવી સ્તોત્ર પાઠ, શ્રીસુકત ૧૦૮ પાઠ, લક્ષ્મીપ્રાપ્તિ હેતુ કમલાપ્રયોગ એવં શ્રીયંત્ર પૂજા, સંગીતમયી દેવી સંકીર્તન જેવા વિશેષ મનોરથો શ્રીહરિ મંદિર, સાંદીપનિ યજ્ઞશાળામાં તેમજ શ્રીહરિની બગીચીમાં સંપન્ન થઇ રહ્યા છે. જેમાં અનેક દેશ-વિદેશના લોકો જોડાઈ રહ્યા છે. આ મનોરથનો લાભ લેવા માટે સંપર્ક નંબર ૭૦૧૬૦ ૩૫૫૫૪ છે.

પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં ચાલી રહેલા ૪૧મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનમાં દેશ-વિદેશના શહેરોમાંથી તેમજ પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો અનુષ્ઠાન અને મનોરથ-દર્શન, કથા શ્રવણ, રાસ-ગરબાનો દિવ્ય લાભ લઇ રહ્યા છે. તો અનેક લોકો sandipani.tv  ના માધ્યમથી પણ જોડાઈ રહ્યા છે.