શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ અંતર્ગત નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે  મેડીકલ કેમ્પ યોજાયા હતા. આ સેવાકીય મેડીકલ કેમ્પનો મંગલ પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો. જેમાં પૂજ્ય ભાઈશ્રીના અગ્રજ આદરણીય  સુર્યકાન્તભાઈ, સુવિખ્યાત હાસ્યકલાકાર અને સાહિત્યકાર  જગદીશભાઈ ત્રિવેદી, કેમ્પમાં સેવા આપનારા ડોક્ટર્સ, અને ડો. સુરેશભાઈ ગાંધી, ડૉ. ભરતભાઈ ગઢવી તથા લાયન્સ પ્રમુખ  આશીષભાઈ પંડ્યા અને અન્ય લાયનમિત્રો જોડાયા હતા. 

પલ્મોનોલોજી કેમ્પમાં ડૉ.રાજવીબા ગોહિલ અને ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેમ્પ દરમ્યાન સી.ટી.સ્કેન અને પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (પી.એફ.ટી.) જેવી ખર્ચાળ સુવિધાઓ પણ વિનામૂલ્યે પૂરી પાડીને જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત જરૂર પ્રમાણેની લેબોરેટરી ટેસ્ટ, કાર્ડિયોગ્રામ અને એક્સ-રે પણ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ જે વિશેષ નોંધનીય છે. 
એન્ડોક્રાઈનોલોજી કેમ્પ (ડાયાબીટીસ કેમ્પ)માં અમદાવાદના સુપર સ્પેશીયાલીસ્ટ ડો વિવેક આર્ય સાહેબ અને એમની ટીમ દ્વારા દર્દીનોને તપાસવામાં આવ્યા હતા અને દવાઓ પૂરી પાડવામાં આવેલ હતી. આ સાથે જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને ડાયેટનું માર્ગદર્શન પર પૂરું પાડવામાં આવેલ હતું. જેનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો. પૂજ્ય ભાઈશ્રી દ્વારા આજના અનુષ્ઠાનને જયારે વિરામ આપવામાં આવ્યો ત્યાર પછી કેમ્પમાં સેવા આપવામાં આવેલ સર્વે ડોક્ટર્સનું પૂજ્ય ભાઈશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ કેમ્પના આયોજન માટે ડો ભરતભાઈ ગઢવીએ જહેમત ઉઠાવી હતી. તો એ સાથે સાંદીપનિ સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક શ્રી નંદલાલભાઈ પાઠક અને સાંદીપનિ ગુરુકુળના શ્રી દેવજીભાઈ ઓડેદરા અને ઋષિકુમારો એ પણ ઉમદા સેવા આપી હતી.