ગુજરાતમાં વીજ કંપનીઓએ યુનિટ દીઠ 10 પૈસાનો વધારો ગ્રાહકો પર ઝીંકવા સાથે 79 પૈસા ફૂઅલ ચાર્જ વધારવાની દરખાસ્ત પણ જર્કમાં કરી છે.
ગુજરાતમાં તમામ પરિવારોને મહિને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવા આપ’ દ્વારા વચનો આપવામાં આવી રહ્યા છે, તેવે સમયે જ વીજ કંપનીઓઓ યુનિટના ભાવમાં 10 પૈસાનો વધારો ઝીંકી દેતા સામી ચૂંટણીઓમાં ભાજપની છબી ખરાબ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક) સમક્ષ 79 પૈસાનો ફ્યુઅલ ચાર્જમાં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, તેનો નિર્ણય આવે ત્યારબાદ વધારો લાગુ થશે.
વીજ વિતરણ કંપનીઓને 10 પૈસાનો વધારો કરવાની સત્તા છે અને પીજીવીસીએલ દ્વારા 1 જુલાઈથી જ 10 પૈસાનો વધારો લાગુ પાડી દીધો છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ ત્રણ મહિના માટે આ વધારો ઝીંકવામાં આવ્યો છે અને તે સાથે યુનિટદીઠ સરચાર્જ રૂ. 2.50થી વધીને રૂ. 2.60 થયો છે. વીજ નિયમન પંચ દ્વારા 79 પૈસાના વધારાની દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો ફ્યુઅલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 3.29 થઇ જશે. વીજ ફ્યુઅલ ચાર્જમાં 10 પૈસાના વધારાને કારણે ગુજરાતના 1 કરોડ 40 લાખ લોકો પર રૂપિયા 8 હજાર 690 કરોડનો બોજ પડશે.
આમ,કેજરીવાલના ફ્રી વીજળીના ચૂંટણીલક્ષી અભિયાન સામે ગુજરાતમાં વીજળીના ભાવો વધતા જનતામાં કચવાટ જોવા મળી રહ્યો છે.