પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં ઈલેકટ્રોનિક મીડીયાના રીપોર્ટર ઋષિ થાનકી પર હુમલો કરી આરોપી પ્રફુલ દતાણી નામના શખ્સે તેનો કેમેરો તોડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. એક પી.એસ.આઈ. સહિત પોલીસકર્મીઓ અને મોટી સંખ્યામાં હાજર રહેલા મીડિયા કર્મીઓની ઉપસ્થિતિમાં જ આ ઘટના બની હતી.

ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ ઘટનાને લઈને પત્રકારોમાં ભારે રોષ જોવા મળી રહ્રાો હતો. તો બીજી તરફ બીજી ઓકટોબર નિમીતે પોરબંદર પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને આ બાબતે પોરબંદર પત્રકાર સંઘના મહામંત્રી, પત્રકાર એકતા પરિષદ પોરબંદરના જિલ્લા પ્રમુખ અશોક થાનકીએ રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું.

જેમાં ઋષિ થાનકી પર હુમલો કરનાર પ્રફુલ દતાણી નામના શખ્સની સામે કડક કાર્યવાહી કરવા તેમજ ગુજરાતમાં થતા આવા પત્રકારો પરના હુમલાની ઘટનાઓ અટકે તે માટે કડક પગલા ભરવા માંગ કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ પોરબંદરના નિષ્ઠાવાન પત્રકારો માટે હકારાત્મક અભિગમ અપનાવી સમય ઓછો હોવા છતાં કારમાં બેસીને પણ આવેદનપત્ર વાંચી અને આ બાબતે લાગતા-વળગતા વિભાગોને કડક કાર્યવાહી કરવા સૂચનોની નોંધ કરી હતી.