રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીફ માર્કેટિંગ સીઝન વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત ડાંગર, મકાઈ અને બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે. આગામી તા.૧૭/૧૦/૨૦૨૨ થી તા.૩૧/૧૨/૨૦૨૨ દરમિયાન ડાંગર માટે ૯૮, મકાઈ માટે ૬૭ અને બાજરી માટે ૮૯ જેટલા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ. ના ખરીદ કેન્દ્રો ખાતે કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ ડાંગર (કોમન) માટે રૂ.૨,૦૪૦/- પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ.૨,૦૬૦/- પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ.૧,૯૬૨/- પ્રતિ ક્વિન્ટલ અને બાજરી માટે રૂ.૨,૩૫૦/ પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા હોય તેવા ખેડૂતોની ઓનલાઇન નોંધણી જે - તે ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ થી શરુ કરવામાં આવશે. જે તા.૩૧/૧૦/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. આ મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને જાણ કરવામાં આવે છે. નોંધણી માટે જરુરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ૭-૧૨, ૮-અની નકલ, નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના બેંક એકાઉન્ટની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ (IFSC કોડ સહિતનો) સાથે લાવવાના રહે છે.

ખેડૂતોનો જથ્થો અસ્વીકૃત ન થાય તે માટે ખેડૂતોને તેમનો જથ્થો સાફસફાઈ તથા ચારણો ફેરવી, તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરુરી જણાય ત્યારે તડકામાં સૂકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાના રહે છે.

રજીસ્ટ્રેશન બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે. મહત્વનું છે કે, રજીસ્ટ્રેશન તેમજ ખરીદ કેન્દ્ર ખાતે બારદાન અંગેનો ખર્ચ ખેડૂતે ભોગવવાનો રહેતો નથી. આ અંગેની વધુ વિગતો કે માહિતી માટે

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ., મેમણ બોર્ડિંગ પાસે, સ્ટેશન રોડ, અમરેલી (૦૨૭૯૨) ૨૩૨૯૦૪ પર સંપર્ક કરવો તેમ ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્લા મેનેજરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.