પાવીજેતપુર તાલુકાના અંબાડી ગામે આવેલ કોઝવે પાણીમાં સમાધિ લઈ લેતા અંબાડી ગામની જનતાને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં છેવાળામાં આવેલું ગામ અંબાડી ગામે કોઝવે ( છલ્યું) બનાવવામાં આવ્યું હતું જે વરસાદી પાણીથી ધોવાઈ જવા પામ્યું છે. આ માર્ગ ઉપર માટી, મેટલ રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અહીંયા બનાવેલું કોઝવે વધુ વરસાદને કારણે ધરાસાઈ થઈ જઈ પાણીમાં સમાધિ લઈ લીધી હોય તેમ લાગે છે, સરકારી તંત્ર એ આ કોઝવે પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ નથી.જેથી અહીં પસાર થતા રાહદારીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અહીંથી પસાર થતાં આજુબાજના ગામડાંનાં લોકોને આ કોઝવે તુટી જવાથી ભારે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે ઈમરજન્સી ૧૦૮ તથા અન્ય મોટુ વાહન લઈ જવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે, આ વિસ્તારમાં આવેલ નવી વસાહત માંથી આવતાં બાળકોને અભ્યાસ કરવા માટે આ રસ્તા પરથી પસાર થવું પડે છે, અહીં રહેતા તેમજ ગ્રામ પંચાયત મંત્રી તરીકે ફરજ બજાવતા કર્મચારી કુંભકર્ણ નિંદ્રામાં લીન હોય એમ લાગી રહ્યું છે. શું આ જગ્યાએ કોઈ મોટી હોનારત સર્જાય તે જોવા માટે સરકારી તંત્ર રાહ જોઈ રહ્યું છે ? આવા વેધક સવાલો જનતામાં ઉઠી રહ્યા છે.
વર્તમાન સરકાર વિકાસની મોટી મોટી ગુલ બાંગો મારી રહી છે ત્યારે પાવીજેતપુર તાલુકાનું અંબાડી ગામ ૧૮ મી સદીમાં જીવતું હોઈ તેમ લાગી રહ્યું છે. તો તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી કોઝવેના સ્થાને નાનું નાળુ બનાવે તેવી લોકમાંગ ઉઠી છે.