સમગ્ર ગુજરાતમાં નામાંકિત એવી પાટણની સુપ્રસિધ્ધ હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના સાત વિદ્યાર્થીઓ તારીખ – ૭, જુલાઇ થી ૨૧,જુલાઇ દરમ્યાન ફ્રાન્સ-યુરોપ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા.જેમાં ૧૫ ઉપર દેશોના કલાકારોએ પોતાના દેશની કલાની પ્રસ્તુતિ કરી હતી.આવા દેશોમાં જેવાકે સ્પેન,હંગેરી,ચેક રિપબ્લિક,બોલવિયા, જર્મની,પોલેન્ડ, તુર્કી,બુલ્ગેરિયા,મેસેડોનિયા,અજૅટીના, ગ્રીસ,સાઇપ્રા, સેરબિયા,ફ્રાન્સ વગેરે મુખ્ય હતા. જેમાં ભારતીય સંગીતની પ્રસ્તુતિ ખૂબ જ છવાઈ ગઈ હતી.
ભારતીય પ્રસ્તુતિ જોવા વિદેશી નાગરિકો રોજે રોજ અલગ અલગ સ્થળ પર હાજર રહેતા હતા.એટલું જ નહીં ભારતીય પ્રસ્તુતિથી ખુશ થઈને ફ્રાંસના ડિજોન શહેરના મેયરે ભારતીય ટીમને વિશેષ પાર્ટી આપી હતી.
ભારત માટે વિશેષ ગર્વ ની વાત એ હતી કે ડિજોન શહેરના મુખ્ય ચર્ચની વિશેષ પ્રાર્થનામાં ભારતીય વિચારધારા અને સંગીતની વિશેષ તક આપવામાં આવી હતી. જેમાં ૧૫ દેશોના પ્રતિનિધિઓ અને ફ્રાન્સ-ડિજોન શહેરના મેયર સહિતના પ્રબુધ્ધ નાગરિકોની હાજરીમાં હ્રીં ધ્વનિ સંગીત મહાવિધ્યાલયના વિધ્યાર્થી પાર્થ જોશી દ્વારા વાસુધૈવ કુટુંબકમ’ પર ખૂબ સરસ વક્તવ્ય અને ડો. સમ્યક પારેખ દ્વારા સુંદર ભારતીય પ્રાર્થના પ્રસ્તુત કરતાં ચર્ચના વિશેષ પાદરી અને સમગ્ર શ્રોતાઓ દ્વારા પ્રાર્થના પૂરી થયા બાદ તરતજ વિશેષ આભાર માનતા તાલીઓથી સન્માનિત કરી ભારતીય વિચારધારા અને સંસ્કૃતિના વખાણ કરીને ગૌરવ વધાર્યું હતું. આ ફેસ્ટિવલમાં મેયર દ્વારા દરેક કલાકારોને સર્ટિફિકેટ અને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ટુરનું આયોજન રંગસાગર પરફોર્મિંગ આર્ટ્સના ડાયરેક્ટર નરેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
અને આ ફેસ્ટિવલમાં ગાંધીધામની માર્ગમ એકેડેમીના નૃત્ય કલાકારો અને બરોડાની સરગમ એકેડેમીના કલાકારોએ પણ ભાગ લીધો હતો. પાટણની હ્રીં ધ્વનિ સંગીત મહાવિદ્યાલયના ૭ જેટલા વિદ્યાર્થીઓ. ડો. સમ્યક પારેખ, પાર્થ જોશી, અનુભૂતિ પારેખ,પ્રકર્ષ પારેખ, પ્રતિક વૈદ્ય,ગુજન વૈધ અને જયદત્ત લિંબાચિયા દ્વારા વિદેશની ધરતી ઉપર સંગીતની સુંદર અને સફળ પ્રસ્તુતિ કરીને પાટણ નું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું.
આ સિધ્ધિ મેળવવા માટે ધ્વનિ સંગીત પરિવારના ટ્રસ્ટીઓ ડૉ. જે.એચ.પંચોલી, કે.સી.પટેલ, પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, લાલેશભાઈ ઠક્કર, નિલેષ રાજગોર, રાજ મહારાજા, હાર્દિક રાવલ તેમજ પાટણ નગરદેવી મહાકાળી માતાના પૂજારી અને આ સંસ્થાના ઉપ પ્રમુખ એવા અશોકભાઇ વ્યાસ, મંત્રી પારસ ખમાર અને સમગ્ર ધ્વનિ સંગીત પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરીને પાટણ નું નામ સમગ્ર દેશ અને વિશ્વમાં ગુંજતું કરે તેવા આશિષ પાઠવ્યા હતા.