1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં સુધારો અને ગંતવ્યમાં ફેરફાર
પશ્ચિમ રેલવે 30મી સપ્ટેમ્બર 2022થી ગાંધીનગર કેપિટલ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા જઈ રહી છે. આ ટ્રેન યાત્રીઓને વિશ્વ કક્ષાના આરામ અને સુવિધાઓ પ્રદાન કરશે. સંપૂર્ણ વાતાનુકૂલિત વંદે ભારતમાં ઘણી આધુનિક સુવિધાઓ છે જેમ કે સ્લાઇડિંગ દરવાજા, વ્યક્તિગત વાંચન લાઇટ, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એટેન્ડન્ટ કોલ બટન, બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, સીસીટીવી કેમેરા, રિક્લાઈનિંગ સુવિધા, આરામદાયક સીટો વગેરે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10.30 કલાકે વંદે ભારત એક્સપ્રેસને ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી બતાવી રવાના કરશે.અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ઉદઘાટક યાત્રા માટે યાત્રીઓ તેમની ટિકિટ બુક કરાવી શકશે. આ ટ્રેન ઉદઘાટન દરમિયાન ટ્રેન નંબર 09404 તરીકે અમદાવાદથી 14.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 19.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન વડોદરા અને સુરત સ્ટેશન પર ઉભી રહેશે.
વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત પરિચાલન 1 ઓક્ટોબર, 2022થી શરૂ થશે.આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને રવિવારે નહીં ચાલે.ટ્રેન નં. 20901 મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર કેપિટલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી 06.10 કલાકે ઉપડશે અને 12.30 કલાકે ગાંધીનગર કેપિટલ પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ - મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી 14.05 કલાકે ઉપડશે અને 20.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશનો પર ઉભી રહેશે.
આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.
અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચેની ઉદઘાટક સેવા ટ્રેન નંબર 09404નું બુકિંગ ખુલ્યું છે જ્યારે ટ્રેન નંબર 20901/20902 માટેનું બુકિંગ 30મી સપ્ટેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.
ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે યાત્રીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
1લી ઑક્ટોબર, 2022 થી ટ્રેન નંબર 12009/12010 મુંબઈ સેન્ટ્રલ - ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસના સમયમાં સુધારો અને ગંતવ્યમાં ફેરફાર
મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસના પ્રારંભના પરિણામે ટ્રેન નંબર 12009/12010 શતાબ્દી એક્સપ્રેસ હવે 1લી ઑક્ટોબર, 2022થી મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે દોડશે.ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ મુંબઈથી 06.10 કલાકના હાલના સમયને બદલે 06.20 કલાકે ઉપડશે અને 6.33 કલાકને બદલે 6.43 કલાકે બોરીવલી પહોંચશે. તદનુસાર, આ ટ્રેન 12.25 કલાકના હાલના સમયને બદલે 12.45 કલાકે અમદાવાદ પહોંચશે.તેવી જ રીતે 1 ઓક્ટોબર, 2022 થી પરત દિશામાં ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી હાલના 15.05 કલાકને બદલે 15.10 કલાકે ઉપડશે. તેના રૂટના ગંતવ્ય સ્ટેશન અને અન્ય સ્ટેશનોના સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.
****** પ્રતિનિધિ રવિ બી. મેઘવાલ